ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ચેતન રાવલ આપમાં જોડાયા છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી બીજી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે થામ્યો આપનો હાથ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પર રહી ચૂકેલા ચેતન રાવલ આપમાં જોડાતા રાજનીતિ ગરમાઈ છે. ચેતન રાવલે ઈન્દ્રશીલ રાજ્યગુરૂના હસ્તે તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડતા જ તેમના શુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે.
પક્ષ બદલતા જ બદલાયા સૂર
આમ આદમી પાર્ટીમાં જોડાતા જ કોંગ્રેસ વિરૂદ્ધ બોલવાનું તેમણે શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા છે. ચેતન રાવલે કહ્યું કે ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણલક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભાજપ એકદમ નિષ્ફળ નિવડી છે.
અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત
વધુમાં ચેતન રાવલે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં દેખ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ અને આપ દ્વારા આપવામાં આવેલા વચનો લોકો માટે ઉપયોગી થશે તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.