અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. પાંચમી વખત આઈપીએલની મેચ ચેન્નઈ સુપરકિંગ્સ જીતી હતી. જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રસિંહ ધોની ભાવુક જોવા મળ્યા હતા. મેચની અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મેચને પલટી દીધી હતી. છેલ્લા બોલોમાં ચોગ્ગા અને છગ્ગા મારી ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ ચેમ્પિયન બનાવી દીધું હતું.
ચેન્નઈ સુપરકિંગ્સને આપ્યો હતો 171 રનનો ટાર્ગેટ!
28મેના રોજ આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચને કેન્સલ કરવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ટોસ જીતી ગુજરાત ટાઈટન્સે બેટિંગ પસંદ કરી હતી. અને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ સુપરકિંગ્સને આપ્યો હતો. ટીમને ચેમ્પિયન બનવા છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાના ફટકાએ ગુજરાત ટાઈટન્સના હાથમાંથી ટ્રોફી છીનવી લીધી હતી.
ધોનીએ જાડેજાને ખભા પર ઉંચકી લીધો!
રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો, જ્યારે કેપ્ટન એમએસ ધોની પેવેલિયનમાં બેઠા બંધ આંખે જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ઓવરનો છેલ્લો બોલ ફેંકાયો અને જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જ્યારે છેલ્લો બોલ ફેસ કરી રહી હતી તે સમયે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. જાડેજાના વિનીંગ શોટ બાદ ટીમના ચાહકો અને ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. જીત બાદ ટીમ મેદાનમાં દોડી આવી હતી અને ધોનીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જાડેજાને ધોનીએ ખભા પર ઉંચકી લીધા હતા. જીત બાદ ધોની ભાવુક જોવા મળ્યા હતા.
રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં હતા ઉપસ્થિત!
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભગવાન જાણે છે કે આ ટ્રોફી માટે સૌથી વધુ કોણ હકદાર હતું. તેથી જ ધોનીના હાથમાં ટ્રોફી છે. સ્ટેડિયમથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ધોની હાર્દિક પંડ્યાને ગળે લગાવતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. રવિન્દ્ર જાડેજાના વિનિંગ શોટ બાદ રિવાબા જાડેજાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.