રાજ્યનો કચ્છ પ્રદેશ દેશ અને વિદેશમાં લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે પણ લોકપ્રિય બન્યો છે. દેશ-વિદેશના લાખો સહેલાણીઓ દર વર્ષે કચ્છના ઐતિહાસિક સ્થળો અને ભાતીગળ સંસ્કૃતિ જોવા માટે આવે છે. તેમાં પણ કચ્છનું સફેદ રણ દનિયાભરના પર્યટકોને આકર્ષી રહ્યું છે. જો કે સફેદ રણ સુધી પહોંચવા માટે વાહનવ્યવહારની કોઈ ખાસ સુવિધા ન હોવાથી હવે ચાર્ટર્ડ સર્વિસ શરૂ થઈ છે.
કોણે શરૂ કરી ચાર્ટર્ડ સેવા?
રાજ્યની એક ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા હવે ભુજ એરપોર્ટથી ધોરડો સફેદ રણ સુધી ચાર્ટર્ડ હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક R66 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે. સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો 90 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેવા શરૂ કરવામાં આવી છે અને તે રણોત્સવના અંત સુધી ચાલુ રહેશે.
હેલિકોપ્ટરનું ભાડું કેટલું છે?
ભુજ એરપોર્ટથી ધોરડો વચ્ચે શરૂ કરવામાં આવેલી આ ચાર્ટર્ડ સર્વિસ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે, જેમાં ધોરડોથી ભુજ સુધી પ્રવાસીને મૂક્યા ઉપરાંત ભુજથી ધોરડો પહોંચવાનું ભાડું પણ આવરી લેવામાં આવે છે. કંપની દ્વારા આ સેવા માટે કલાક દીઠ રૂ. 1.05 લાખ ભાડું વસૂલવામાં આવે છે.