બિકિની કિલરના નામથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજ નેપાળની જેલમાંથી 19 વર્ષ બાદ મુક્ત થશે. નેપાળની સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ચાર્લ્સ શોભરાજની વર્ષ 2003માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં બંધ છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે 15 દિવસની અંદર તેના ડિપોર્ટેશનનો પણ હુકમ આપ્યો છે.
શોભરાજ શા માટે છુટ્યો?
શોભરાજ દ્વારા જેલમાંથી મુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી, શોભરાજ નિર્ધારિત સમયગાળા કરતા કારાવાસ ભોગવ્યો હોવાથી તેણે મુક્તી માટે અરજી કરી હતી, આ અરજીને માન્ય રાખી તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાર્લ્સ શોભરાજ પર બે અમેરિકન પ્રવાસીઓની હત્યાનો આરોપ છે. આ આરોપમાં તે 2003થી નેપાળની જેલમાં બંધ છે. નેપાળની સુપ્રીમ કોર્ટે પણ તેની મુક્તિના 15 દિવસની અંદર તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.
ચાર્લ્સ શોભરાજ કોણ છે?
વિયેતનામી મૂળના ચાર્લ્સ શોભરાજનો જન્મ 1944માં વિયેતનામના હો ચી મિન્હ શહેરમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી અને પિતા ભારતીય મૂળના હતા. ચાર્લ્સનું સાચું નામ હેતચંદ ભૌનાની ગુરુમુખ ચાર્લ્સ શોભરાજ છે. પરંતુ તે બિકીની કિલર અને સિરિયલ કિલર તરીકે જાણીતો છે. ચાર્લ્સના જીવનના કેટલાક વર્ષો એશિયા અને ફ્રાન્સમાં વિત્યા હતા. માતાપિતાના છૂટાછેડા પછી તેની માતાએ એક ફ્રેન્ચ લેફ્ટનન્ટ સાથે મળીને ઉછેર્યો હતો.