એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં પાવર ઉત્પાદન કરતી કંપનીનાં ઈલેક્ટ્રીક રૂમમાં અચાનક બપોરના સમયે આગ લાગી હતી. પાટણ જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક ખાતે બનાવવામાં આવેલા સોલાર પાર્કમાં આગની ઘટનાને લઈને કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાંતલપુરથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આગને નિયંત્રિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી હતી.
શા માટે આગ લાગી?
ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સોલાર પાર્કમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જો કે શોક સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે સોલાર પાર્કમાં લાગેલી આગથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. તેમ છતાં આ આગની ઘટનાથી કંપનીને લાખોનું નુકશાન થવા પામ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચારણકા સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી.