રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ છે.જો કે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તે વખતે તેની ફરિયાદ પણ લેવાતી નથી. પોલીસને ફરિયાદ લેવામાં વાંધો શું હોય છે, તે સમજાતું નથી. તાજેતરમાં યુવતીને ભગાડી જવાના ગુનામાં એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચકલાસી પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીના પિતાને નડિયાદ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો.
સમગ્ર મામલો શું છે?
ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભરતસિંહ ચંદ્રસિંહ 27 વર્ષિય યુવતીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ સંતાનોનો પિતા એવો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માથાભારે અને મોટી રાજકીય વગ ધરાવે છે. આ જ કારણે યુવતીના પિતાએ સતત બે દિવસ સુધી ચકલાસી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તેમ છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. અંતે થાકી હારીને યુવતીના પિતાએ આજ રોજ નડિયાદ કોર્ટમાં કરી ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની યુવતીને હેડ કોન્સ્ટેબલે ભગાડી લઈ જઈને ગોંધી રાખી છે.
કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું
યુવતીના પિતાએ આજ રોજ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કરી તેને યુવતી સાથે કોર્ટમાં હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહ હાલમાં જ હેડ કોન્સ્ટેબલ ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી ખેડા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહનો બકલ નંબર 850 છે.