આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવતી હોય છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરવામાં આવતા હોય છે.
નવરાત્રીના પ્રથમ દિવસે કરાય છે માતા શૈલપુત્રીની પૂજા
નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપોની આરાધના કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે. શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે. હિમાલયના પૂત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે.
માતાજીની ઉત્પત્તિ પાછળનો ઈતિહાસ
જો માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલા શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું. પોતાના પતિનું અપમાન સતી સ્વીકાર કરી ન શક્યા. જેને કારણે તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને કારણે તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.
કયા મંત્રથી કરવી જોઈએ માતા શૈલપુત્રીની આરાધના
શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે. પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર - ह्रीं शिवायै नम:, આ મંત્રથી માતા શૈલપુત્રીની કરવી જોઈએ પૂજા - ओम देवी शैलपुत्र्यै नमः, જ્યારે શૈલપુત્રીનો આ છે ધ્યાનમંત્ર - वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.