બાળકોને ભણવામાં રૂચિ વધે, ભણવા માટે બાળકો શાળામાં જાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. અનેક યોજનાઓ સરકાર લાવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરમાં પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ.. ગઈકાલે અલગ અલગ શાળાઓમાં સરકારના મંત્રીઓ ગયા હતા અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ શાળાઓની મુલાકાત લીધી ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના મત વિસ્તારમાં આવેલી 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ..!
ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ.. શાળાઓમાં શિક્ષકોની કમી છે જેને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શાળાઓ ચાલતી હોય.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે..કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવે છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે..
ચૈતર વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત
પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ આવે છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે પાંચ સરકારી શાળાની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જેમાં તેમણે લખ્યું કે મારા મતવિસ્તારની ડેડીપાયાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી. આ પાંચેય શાળામાં માત્ર એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તેમણે શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. ઉપરાંત લખ્યું છે કે ગુજરાત માંગે કાયમી શિક્ષક..
અનેક શાળાઓ એવી છે જ્યાં સુવિધાઓ છે પરંતુ..
મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ નથી પહોંચતો સરકાર સુધી તેવું લાગી રહ્યું છે.. ઉલ્લેખનિય છે કે અનેક સરકારી શાળાઓ એવી પણ છે જ્યાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હશે. સુવિધાઓ હશે, શિક્ષકો પણ હશે.. પરંતુ બીજી તરફ આવી અનેક સરકારી શાળાઓ એવી પણ છે જે જર્જરિત છે.. દેશના ભાવિનું ભવિષ્ય સુધરે તેવી અપેક્ષા..