કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની કવાયત હાથ ધરી છે. સમાન નાગરિક કાયદો લોકસભાના ચોમાસું સત્રમાં આવી શકે છે. જો કે આ કાયદાનો મુસ્લિમ સમુદાય તથા આદીવાસીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોના આગેવાનો દ્વારા સમાન નાગરિક ધારા મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કાયદાથી આદિવાસી સમાજને જે નુકસાન થવા બાબતે છે આ તમામ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે પણ એક મીટીંગનું આયોજન કર્યું છે. આ જાહેર મિટિંગમાં હાજર રહેવા માટે તેમણે આદિવાસી સમાજને અપીલ કરી છે.
9 જુલાઈના રોજ રાજપીપળામાં યોજાશે મિટિંગ
આદિવાસી સમાજ પર યુનિફોર્મ સિવિલ કોડની થનારી વિપરીત અસરો મુદ્દે થોડા દિવસ પહેલા ભરૂચ, નર્મદા જિલ્લામાં બિટીપી( ભારતીય ટ્રાઈબલ પાર્ટી) દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મુદ્દો હવે આમ આદમી પાર્ટી એ પણ ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કાયદાનો વિરોધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની આગેવાનીમાં રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં 9 જુલાઈ રવિવારે મોટો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિડ કોડ UCC લાગુ થઈ રહ્યો છે જેથી આદિવાસી સમાજને નુકસાન થવા બાબતે લોકોની ચિંતા પર વિચાર વિમર્શ કરવા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.