ચૂંટણીને લઈ તો લોકસભા બેઠકો અંગે ચર્ચા થવાની શરૂઆત હવે થઈ. ઉમેદવારો એક બીજા પર ટીકા ટિપ્પણી કરશે, એકબીજાને લઈ નિવેદનો આપશે વગેરે વગેરે.. પરંતુ એક સીટ તો એવી છે જેની ચર્ચાઓ એમનેમ પણ અવારનવાર થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા હોય છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા ભરૂચ લોકસભા બેઠકને લઈ ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈ ગઠબંધન થયું હતું અને ચૈતર વસાવાના નામ અંગે જાહેરાત કરવામાં આવી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજથી ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમની શરૂઆત કરી છે.
ચૈતર વસાવાએ કરી હતી સ્વાભિમાન યાત્રા!
લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમો કરી ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાએ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધો છે. આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા 'તમારો દીકરો, તમારા દ્વાર' કાર્યક્રમ શરૂ કરી દીધો છે આજથી. આ કાર્યક્રમ અંતર્ગત ચૈતર વસાવા ગામડામાં તેમજ શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળશે. મહત્વનું છે કે આની પહેલા પણ ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનેક ગામોની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી.