ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અંગેની સુનાવણી આગામી 20 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. આગોતરા જામીન માટેની તારીખ 20 નવેમ્બર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી થનાર છે. હવે દિવાળીનો તહેવાર ચૈતર વસાવાને ભૂગર્ભમાં રહીને ઉજવવી પડશે. ઉલ્લેખનીય છે કે હાલ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે અને પોલીસ તેમની ધરપકડ કરવા માટે આકાસ-પાતાળ એક કરી રહી છે. નર્મદા પોલીસ અલગ અલગ વિસ્તારમાં ચૈતર વસાવાને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કોર્ટે પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.
પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી
ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનની ધરપકડ બાદ તબિયત બગડતા વધુ સારવાર માટે તેઓને વડોદરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમ જ પોલીસે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશની ધરપકડ કરી હતી. આજે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષીએ આગોતરા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી હાથ ધરી હતી. ગુરૂવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો સાંભળ્યા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરી હતી.
શું છે સમગ્ર મામલો?
ડેડીયાપાડાના ફુલસર રેન્જમાં કોલિવાડા ગામે રક્ષિત જંગલમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ખેડૂતોને ગેરકાયદેસર ખેડાણ ન કરવા સમજાવ્યા હતા. આ બનાવની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેમણે થોડા દિવસ અગાઉ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. ધારાસભ્યના નિવાસ સ્થાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ધારાસભ્યએ ખેડૂતોને ન રોકવાની ધમકી આપી હતી. તેમજ ખેડૂતોને રોકડ રકમ ચૂકવવા ફરમાન કર્યુ હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આ મુદ્દે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.