હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. હોળી તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ વધારે હોય છે. આ તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પરંપરાગત વેશમાં દેખાયા હતા.
ચૈતર વસાવાએ ઘેરૈયા વેશ ધારણ કર્યો
અનેક ધારાસભ્યો તહેવારની ઉજવણી પોતાના વિસ્તારના લોકો સાથે કરતા હોય છે. ચૈતર વસાવાએ સામાન્ય નાગરિકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. પોતાના બોગઝ ગામ ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ ઘેરૈયા વેશ ધારણ કર્યો હતો. કમરમાં ઘૂઘરા લગાવી નાચતા દેખાયા હતા. તેમની સાથે અનેક લોકો પણ ડાન્સ કરતા દેખાયા હતા.
આની પહેલા ચૈતર વસાવાએ વગાડ્યું હતું ઢોલ
મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આદિવાસી સમાજ માટે એમ પણ આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પાંચ દિવસ ફરતા હોય છે. હોળી પર્વની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચૈતર વસાવા ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.