અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ મોટા ભાગે સાથે નથી દેખાતા.એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા દેખાતા હોય છે. પરંતુ અનેક એવા અનેક મુદ્દાઓ હોય છે જેમાં નેતાઓ એક સાથે દેખાતા હોય છે. ત્યારે નર્મદામાંથી જે ઘટના સામે આવી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થઈને આદિવાસી ખેડૂતોની માગ માટે લડતા દેખાયા હતા .દિલ્લી મુંબઈ ફોર લેન રોડ આદિવાસી પટ્ટાના નર્મદા જિલ્લામાંથી નીકળે તેની પહેલા જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે નેશનલ હાઈવે 56ના બાયપાસનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી લડાઈમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા.
અનંત પટેલ અને ચૈતર વસાવા આ મુદ્દે આવ્યા સાથે!
નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈવેની કામગીરીને લઈ વ્યારા જિલ્લા સેવા સદનમાં પણ આદિવાસી ખેડૂતોએ વિરોધ કરીને ધરણા કર્યા હતા. જો કે પરિસ્થિતિ વિફરે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસનો કાફલો ખડગી દેવાયો હતો. આ ધરણામાં આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા.
પોતાની જમીન આપવા તૈયાર નથી ખેડૂતો!
ખેડૂતોનું કહેવું છે કે અમે વાંધો ઉઠાવ્યો હતો જેના પર સરકારે કોઈ વિચાર નથી કર્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હાઈવે 56 પર કંઈ પણ કરી શકે છે કારણ કે તેના પર સરકારે સંપાદન કર્યું છે પણ તેના નવો બાયપાસ કાઢવા માટે જમીન આપવા કોઈ આદિવાસી લોકો તૈયાર નથી. નેશનલ હાઈવે છપ્પન સિવાયના ગામડાઓમાં કોઈ જમીન સંપાદન નહીં કરવા દઈએ તેવી આદિવાસી અગ્રણીઓએ માગ રાખી હતી. આ આંદોલનમાં આદિવાસી નેતા ચૈતર વસાવા પણ દેખાયા હતા અને અનંત પટેલ પણ દેખાયા હતા. બંને નેતાએ સાથે મળીને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો.
જમીન માપણીની કામગીરી સ્થગિત કરાય તેવી ખેડૂતોની માગ!
અગાઉ પણ જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત ન સંભળાતા તેઓ સરકારી કચેરી સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો. આદિવાસી લોકો અને ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સરકાર જમીન માપણીની કામગીરી ના કરે. નર્મદાનો વિવાદ અહીં એમ છે કે દિલ્લી મુંબઈ ફોર લેન રોડ માટે કામગીરી ચાલુ છે.
અધિકારીઓ સાથે આ મામલે કરી બેઠક!
શામળાજીથી હાલોલનો ફોર લેન રોડ તૈયાર છે પણ તેને આગળ વધારવા માટે નર્મદાના તિકવાડા, ગરુડેશ્વર અને નાંદોદના ગામડાઓમાંથી રોડ પસાર કરવો પડે... તો આ વિસ્તારના ગામડાઓમાં જમીન સંપાદન માટે ખેડૂતોના ખેતરોની માપણી શરૂ કરવાની છે. ખેડૂતો જમીન આપે તેના માટે નાંદોદમાં પ્રાંત અધિકારીએ બેઠક કરી હતી... જેમાં ખેડૂતો હાજર તો રહ્યા હતા પણ જમીન માપણી અને સંપાદનનો વિરોધ કર્યો હતો
કયા હાઈવેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ!
જે નેશનલ હાઈવે છપ્પનની વાત થઈ રહી છે તેની પણ વાત કરીએ. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ચિતૌડગઢથી ગુજરાત પહોંચતો નેશનલ હાઈવે બનાવ્યો. કુલ 310 કિલોમીટરનો આ હાઈવે રાજસ્થાન મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પહોંચે છે. તે જ હાઈવેમાં બાયપાસની કામગીરીનો આદિવાસી વિરોધ કરી રહ્યા છે.