કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું "નાગરિકોને રાજકીય પક્ષોના ફંડનો સ્ત્રોત જાણવાનો કોઈ અધિકાર નથી"


  • Published By :
  • Published Date : 2023-10-31 13:49:33

ચૂંટણી બોન્ડની કાનૂની માન્યતાને પડકારતા કેસની સુનાવણી અગાઉ ભારતના એટર્ની જનરલ આર વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે નાગરિકોને રાજકીય પક્ષોને મળતા ફંડ વિશે જાણવાનો અધિકાર નથી. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ (AG) દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલી લેખિત રજૂઆતોનો આ એક ભાગ હતો. રાજકીય પક્ષોને અનામી દાનની સુવિધા આપતી ચૂંટણી બોન્ડ યોજનાનો બચાવ કરતા, એટર્ની જનરલ વેંકટરામણીએ જણાવ્યું હતું કે તે કોઈ પણ વર્તમાન અધિકારનું ઉલ્લંઘન કરતું નથી અને તેને બંધારણના ભાગ III હેઠળના કોઈપણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કહીં શકાય નહીં. એટર્ની જનરલના આ નિવેદનનો સાદો અર્થ એ છે કે કેન્દ્રની મોદી સરકાર ઈલેક્ટોરલ બોન્ડ પર પણ આ જ વલણ ધરાવે છે.


એટર્ની જનરલે શું દલીલ કરી?


ભારતના નાગરિકોને બંધારણની કલમ 19(1) (a) હેઠળ કોઈપણ રાજકીય પક્ષના ભંડોળ અંગે માહિતી મેળવવાનો અધિકાર નથી. ભારત સરકારના એટર્ની જનરલ આર વેંકટરામણીએ ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા નિવેદનમાં આ વાત કહી છે. એટર્ની જનરલે ચૂંટણી બોન્ડ સ્કીમને પડકારતા અરજદારોની દલીલને ફગાવી દીધી હતી કે નાગરિકોને રાજકીય પક્ષના ભંડોળના સ્ત્રોત જાણવાનો અધિકાર છે. એટર્ની જનરલે જણાવ્યું હતું કે ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણવાના નાગરિકોના અધિકારને જાળવી રાખતા નિર્ણયોનો અર્થ એવો ન કરી શકાય કે તેમને પક્ષકારોના ભંડોળ વિશે જાણવાનો પણ અધિકાર છે. તે નિર્ણયો ચૂંટણીના ઉમેદવારો વિશે માહિતી આપવા અને જાણવાના સંદર્ભમાં હતા. તે નિર્ણયો નાગરિકોના "દોષમુક્ત ઉમેદવારોને પસંદ કરવાના ચોક્કસ ઉદ્દેશ્ય"ને પૂરા કરે છે. ઉલ્લેખનિય છે કે ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં શરૂ થવા જઈ રહી છે.


સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ શરૂ કરશે સુનાવણી 


સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ 31 ​​ઓક્ટોબરે ચૂંટણી બોન્ડ યોજનાને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ કરશે. બેન્ચમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 16 ઓક્ટોબરના રોજ, CJI, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી 3-જજની બેન્ચે "આ મામલે ઉઠાવવામાં આવેલા મુદ્દાના મહત્વને ધ્યાનમાં રાખીને" કેસને 5 જજની બેન્ચને રિફર કર્યો હતો. અગાઉ, CJI ચંદ્રચુડ અરજીઓ સાંભળવા માટે સંમત થયા હતા - આ અરજી 2017 માં દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ વિનંતી કરી હતી કે આગામી સામાન્ય ચૂંટણી પહેલા કેસની સુનાવણી કરવામાં આવે, વર્ષ 2024માં સામાન્ય ચૂંટણી યોજાશે.


ચૂંટણી બોન્ડ શું છે?


કેન્દ્રની મોદી સરકારે 2017માં લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 (RPA)ની કલમ 29Cમાં સુધારો કર્યો અને આ યોજના લાગુ કરી હતી. આ યોજના હેઠળ, દાતાઓ ચુકવણીની ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અને KYC કર્યા પછી પસંદગીની બેંકોમાંથી ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. રાજકીય પક્ષોએ આ બોન્ડના સ્ત્રોતને ભારતીય ચૂંટણી પંચ (ECI) સમક્ષ જાહેર કરવાની જરૂર નથી. આ બોન્ડ્સ રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અથવા રૂ. 1 કરોડના ગુણાંકમાં કોઈપણ મૂલ્યમાં ખરીદી શકાય છે. દાતાનું નામ બોન્ડમાં રહેશે નહીં. બોન્ડ ઇશ્યુ થયાની તારીખથી 15 દિવસ માટે માન્ય રહેશે, જેની અંદર રાજકીય પક્ષે તેને રોકડમાં ચૂકવણી કરાવવાનું રહેશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 13A હેઠળ આવકવેરામાંથી મુક્તિને આધીન પાત્ર રાજકીય પક્ષ દ્વારા પ્રાપ્ત સ્વૈચ્છિક યોગદાનના માધ્યમથી બોન્ડની ફેસ વેલ્યુને આવક તરીકે ગણવામાં આવશે.


ઈલેક્ટ્રોલ બોન્ડ અંગે શંકા શા માટે?


સીપીએમ અને દેશના મોટા સંગઠનોએ ઈલેક્ટ્રોલ બોન્ડને ચૂંટણીની લાંચ ગણાવી છે. આ યોજનાને સુપ્રીમ કોર્ટમાં પડકારનારાઓમાં સીપીએમ, કોમન કોઝ, એડીઆર વગેરેનો સમાવેશ થાય છે. જે લોકો તેનો વિરોધ કરે છે તેમની મુખ્ય દલીલ એ છે કે આ બોન્ડના કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભ્રષ્ટ થશે. બીજી સૌથી વાંધાજનક બાબત એ છે કે માહિતીને પારદર્શક કેમ રાખવામાં આવી રહી નથી. ઉદાહરણ તરીકે, જનતાને એ જાણવાનો અધિકાર કેમ નથી કે કયા ઉદ્યોગપતિએ કે વ્યક્તિએ કયા પક્ષને કેટલા પૈસા આપ્યા? આ નામ કેમ છુપાવવામાં આવી રહ્યું છે?


ભાજપ દેશની સૌથી અમીર પાર્ટી 


ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર, ભાજપે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1917.12 કરોડની કમાણી કરી હતી, જે ગયા વર્ષે રૂ. 752.33 કરોડ હતી. ટેલિગ્રાફે રિપોર્ટ આપ્યો છે કે આ 155% નો વધારો છે. નાણાકીય વર્ષ 2021-22માં, TMCએ રૂ. 545.75 કરોડની કમાણી કરી હતી, જ્યારે અગાઉના વર્ષમાં તેણે રૂ. 74.42 કરોડની ઘણી ઓછી કમાણી કરી હતી. TMCની કમાણી દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી કરતા પણ વધુ થઈ ગઈ છે. પંચે નાણાકીય વર્ષ 2021-22માં કોંગ્રેસની કમાણી 541.27 કરોડ રૂપિયા નોંધી છે. જો કે ગત નાણાકીય વર્ષમાં કોંગ્રેસની કમાણી 285.76 કરોડ રૂપિયા હતી.


આઠ રાષ્ટ્રીય પક્ષો પાસે 2021-22માં 8,829.15 કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 20.98 ટકા વધુ છે. આમાં એકલા ભાજપ પાસે સૌથી વધુ રૂ. 6,046.81 કરોડ અથવા કુલ ભંડોળના 69 ટકા ફંડ છે. આ રિપોર્ટ એડીઆર (Association for Democratic Reforms)નો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?