કેન્દ્ર સરકારની નાની બચતોમાં રોકાણ કરતા રોકાણકારોને કેન્દ્ર સરકારે ગુડ ન્યૂઝ આપ્યા છે, કેન્દ્ર સરકારે આજે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજના, માસિક આવક બચત યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC),કિસાન વિકાસ પત્ર (KVC) તથા તમામ બાંધી મુદતની થાપણ યોજના પર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટેના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)માટેના વ્યાજ દરને 7.1 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે.
વ્યાજ દર કેટલા વધ્યાં?
કેન્દ્ર સરકારે કહ્યું છે કે PPF તથા બેંકમાં બચત જમા પર વ્યાજ દર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા માટે 7.1 ટકા અને ચાર ટકાના લેવલ પર યથાવત રાખ્યા છે. અન્ય બચત યોજનામાં વ્યાજ દરોમાં 0.1 ટકાથી 0.7 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.વ્યાજમાં સૌથી વધારે વધારો રાષ્ટ્રીય બચત પત્ર (NSC)માં કરવામાં આવ્યો છે. એપ્રિલથી 30 જૂન,2023 માટે હવે આ વ્યાજ દર 7.7 ટકા મળશે,જે અત્યાર સુધી 7.0 ટકા હતા. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ માટે વ્યાજ દર 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યો છે.કિસાન વિકાસ પત્ર હવે 120 મહિનાને બદલે 115 મહિનામાં મેચ્યોર (પાકશે) થશે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના માટે વ્યાજ દર 8 ટકાથી વધારી 8.2 ટકા તથા કિસાન વિકાસ પત્ર (KVC) માટે 7.2 ટકાથી વધારી 7.6 ટકા કરવામાં આવ્યા છે.
ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજ દરમાં પણ વધ્યાં
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની એક, બે, ત્રણ અને પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ્સ પરના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. હવે એક વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8 ટકા વ્યાજ મળશે. અત્યાર સુધી 6.6 ટકા વ્યાજ મળતું હતું. બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9 ટકા વ્યાજ મળશે. અગાઉ આ દરનો વ્યાજ દર 6.8 ટકા હતો. એ જ રીતે ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ દર 6.9 ટકાથી વધારીને 7.0 ટકા કરવામાં આવ્યો છે.