બેંગલુરૂમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે દેશદ્રોહી પ્રવૃતિઓમાં સામેલ હોવાની શંકા હેઠળ આ લોકોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પાસેથી વિસ્ફોટક સામગ્રી પર જપ્ત કરવામાં આવી છે. CCB અને CIDએ સાથે મળીને જોઈન્ટ ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શંકાસ્પદોની ધરપકડ કરતા શહેરમાં હડકંપ મચી ગયો છે. હાલ તો સીસીબી તમામ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ શંકાસ્પદોની સાથે અન્ય 2 લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
બેંગલુરૂમાં વિસ્ફોટની હતી યોજના
CCB માદીવાલા ટેક્નિકલ સેલમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઈરાદો બેંગલુરૂમાં વિસ્ફોટ કરવાનો હતો, આ પાંચેય શંકાસ્પદ વર્ષ 2017ના હત્યા કેસમાં પણ આરોપી છે, અને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. આ દરમિયાન તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. પૂછપરછ બાદ એ બહાર આવ્યું છે કે શંકાસ્પદોની એક ટીમ વિસ્ફોટની યોજના બનાવી રહી હતી. જેમાં 10થી વધુ લોકો સામેલ હતા. CCBને અંગે જાણકારી મળી હતી, અને શંકાસ્પદોની તાત્કાલિક શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
શંકાસ્પદો પાસેથી શું પકડાયું?
CCBના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદોની પાસેથી 4 વોકી-ટોકી, 7 પિસ્તોલ, દારૂગોળા સહિતના અન્ય વિસ્ફોટકો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. જેમાં ભાગેડું લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.