થોડા દિવસો પહેલા રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. પટના ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈએ જમીનના બદલે નોકરી આપવાના કેસને લઈ આ તપાસ કરી હતી. ત્યારે હવે સીબીઆઈએ તેજસ્વી યાદવને પણ સમન્સ મોકલ્યું છે. આ કેસમાં ઈડી બાદ સીબીઆઈ પણ સક્રિય થઈ છે. શનિવારે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યું હતું અને આજે બીજી વખત તેમને સમન્સ પાઠવામાં આવ્યું હતું.
સીબીઆઈએ તેજસ્વી યાદવને પાઠવ્યું હતું સમન્સ
જમીન સામે નોકરીના કેસ અંતર્ગત ઈડી દ્વારા લાલુ પ્રસાદના નજીકના લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી. નજીકના મિત્રો અને સંબંધીઓના સ્થોના પર તપાસ દરમિયાન 55 લાખ કેશ, 540 ગ્રામ જેટલું સોનું, 1900 અમેરિકન ડોલર સહિત 1.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સીબીઆઈએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવ્યું તેની પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 2017માં પણ દરોડા પડ્યા હતા, ત્યારબાદ અમે અલગ થઈ ગયા. 5 વર્ષ વીતી ગયા અને હવે અમે એક સાથે આવ્યા છીએ, એટલે ફરીથી રેડ થઈ છે. હવે આ અંગે બીજું તો હું શું કહ્યું.
લાલુ યાદવના સંબંધીઓના ઘરે કરવામાં આવી તપાસ
તપાસ એજન્સી ઘણા સમયથી એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે આ મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી, મંબઈ, નોઈડા અને પટનામાં રહેતા લાલુ પ્રસાદ યાદવના નજીક સંબંધીઓ તેમજ મિત્રોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં તેજસ્વી યાદવનું ઘર, લાલુની ત્રણ દીકરીઓના ઘરે તેમજ લાલુના સાળા જિતેન્દ્ર યાદવના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 15 જેટલી જગ્યાઓ પર તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી પર આવી અનેક પ્રતિક્રિયા
આ દરોડા પર અનેક રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે લાલુ યાદવે કહ્યું કે સંઘ અને ભાજપ સામે મારી વૈચારિક લડાઈ છે અને ચાલુ રહેશે. મેં ક્યારેય નમતું જોખ્યું નથી. મારા પરિવાર અને પક્ષમાંથી કોઈ તમારી રાજનીતિ સામે ઝૂકશે નહીં. તે ઉપરાંત લાલુ યાદવની પુત્રીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઈડીની કાર્યવાહીનો વીડિયો શેર કર્યો છે અને ટ્વિટ કર્યું કે સેપ્ટિર ટેન્ક ખોદવાથી ગેસ મળ્યો, ચા બનાવવા માટે મોદી સાહેબ માટે ટ્રરકો ભરીને જમાઈ લઈ ગયા છે. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મોદીજીએ છેલ્લા 14 કલાકથી બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે ઈડીને બેસાડી રાખી છે.