દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી ત્યારે દારુ કાંડમાં આજે સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું છે. સીબીઆઈએ મનીષ સીસોદિયાને આવતીકાલે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીથી અટકળો વહી રહી છે તે મુજબ આવતીકાલે મનીષ સીસોદિયાની ધરપકડ પણ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ વિજય નાયર, સમીર મહેંદ્રુ અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી લીધી છે. ત્રણ આરોપીઓના દારુકાંડ મામલે મનીષ સીસોદિયાની પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
AAPએ CBI-ED પર કર્યા આક્ષેપ
આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવતીકાલે મનીષ સીસોદિયા સીબીઆઈ કાર્યાલય જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આતિશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ એ નથી જણાવી શકી કે તેમને મનીષ સીસોદિયા પાસેથી શું મળ્યું છે. CBI-EDને ખોટા કેસમાં 400-500 અધિકારીઓને લગાવ્યા છે પણ તેઓને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મળ્યો.
દારૂ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કર્યાનો આક્ષેપ
22 જુલાઈએ નવી લિકર પોલીસી મામલે દિલ્લીના ઉપ રાજ્યપાલ VK સક્સેનાએ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા સામે સીબીઆઈ તપાસની માગ કરી હતી. VK સક્સેનાએ મનીષ સીસોદિયા સામે નિયમોમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ સરકારે દિલ્લી સરકાર પર દારૂના ઠેકા ચલાવનારાઓના 144 કરોડ આમ આદમી પાર્ટીએ માફ કર્યા છે તેવો આક્ષેપ લગાવ્યો હતો.