સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે જ્યારે સુનાવણી ચાલતી હતી ત્યારે જિયાની માતા પણ કોર્ટરૂમમાં હાજર હતા. અને જિયાની માતાએ આ કેસને હાઈકોર્ટમાં પડકારવાની વાત કરી છે.
2013માં અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા!
10 વર્ષ પહેલા જિયા ખાને નાની ઉંમરે જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જિયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જિયાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઈડ નોટમાં સૂરજ પંચોલીની વાત કરવામાં આવી હતી. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે.
સૂરજ પંચોલીની થઈ હતી ધરપકડ!
જિયાની માતાએ ફરિયાદ કરી હતી. 10 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જુલાઈ 2013માં તેને જામીન મળી ગયા હતા. સીબીઆઈએ વર્ષ 2014માં આ મામલે તપાસ કરવાની શરૂ કરી હતી. તપાસ દરમિયાન જિયાની માતા રાહિયાએ સૂરજ પર સતત આરોપ લગાવ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે જિયા તેની આત્મહત્યાના થોડા મહિના પહેલાં જ ગર્ભવતી થઈ હતી.
કોર્ટે આજે સંભળાવ્યો ચૂકાદો!
જે બાદ 2021માં સેશન્સ કોર્ટે કેસને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિયાની માતા રાબિયાએ આ કેસની નવેસરથી તપાસ થાય તે માટે 2022માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. 20 એપ્રિલ 2023ના રોજ જસ્ટિસ એએસ સૈયદે સીબીઆઈની વિશેષ અદાતલમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.