દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એક અહિંસક રાજ્ય છે. જો કે રાજ્યમાં પશુ હત્યા બેરોકટોક વધી રહી છે. રાજ્યમાં ગેરકાનુની રીતે દુધાળા પશુંઓની તસ્કરી પણ વધી છે. આ પશુંઓને કતલખાને લઈ જવામાં આવતા આવતા હોય છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે એક સવાલ પણ થયો હતો. સરકારે જે આંકડો આપ્યો તે ખરેખર ચોંકાવનારો છે.
કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાં સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી કતલખાનામાં કેટલા પશુઓની કતલ કરવામાં આવી છે? તે અંગે સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ જિલ્લામાં સરકારે માન્યતા આપી હોય તેવું એક કતલખાનું છે. જ્યારે સુરતમાં સરકારે માન્યતા આપી હોય તેવા બે કતલખાના આવેલા છે. સુરતમાં સલાબતપુરા અને રાંદેરમાં સરકાર માન્યતા ધરાવતા કતલખાના આવેલા છે. આમ સુરત અને અમદાવાદમાં 3 જેટલા સરકાર માન્યાતા ધરાવતા કતલખાના આવેલા છે.
કેટલા પશુંઓની કતલ થઈ?
રાજ્ય સરકારની મંજુરી પ્રાપ્ત અમદાવાદ જિલ્લામાં આવેલા કતલખાનામાં બે વર્ષમાં 64535 પશુઓની હત્યા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં આવેલા બે કતલખાનામાં 76774 પશુઓની હત્યા કરવામાં આવી છે. આમ સુરત અને અમદાવાદના સરકાર માન્યતા પ્રાપ્ત કતલખાનામાં કુલ 1,41,309 પશુઓની હત્યા કરવામાં આવી છે. જેમાં 20881 ભેંસ પાડાની કતલ કરવામાં આવી છે. તે જ રીતે ઘેટા 7571, બકરાં 21913, ડુક્કર 14170નું કતલ કરવામાં આવ્યુ હતુ. સુરતના સલાબતપુરા કતલખાનાની વાત કરીએ તો, ભેંસ 249, પાડા 324, ઘેટા 18179, બકરાં 37289 જ્યારે રાંદેર કતલખાનામાં ભેંસ 00, પાડા 107, ઘેટા 4727, બકરાં 10909 કતલ કરવામાં આવી હતી.
ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો?
ધારાસભ્ય ગેનિબેન ઠાકોરે સરકારને એક પેટા સવાલ પણ પુછ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં આવેલા કતલખાનાનો અઠવાડીયાનો ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યુ હતું કે, અમદાવાદના કતલખાનામાં અઠવાડિયાનો ભેંસ અને પાડાનો ક્વોટા 212 પશુઓનો છે. જ્યારે સુરતના સલાબતપુરામાં 100 અને રાંદેરમાં 1નો ક્વોટા છે. આ ક્વોટા 16-11-2005 થી અમલમાં છે. સરકારે વધુમાં જણાવ્યું કે ભેંસ અને પાડાઓના આ ક્વોટામાં 2005 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.