ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કોરોના વેક્સિન લીધી હતી. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને સરકાર ગંભીરતાથી લે તેવી માગ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. કોરોના બાદ હાર્ટ એટેક શા માટે વધી રહ્યા છે તે વિશે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કઈ વેક્સિન લીધી હતી તે અંગે સર્વે થવો જોઈએ.
શિક્ષણ મંત્રીએ શેર કર્યો હતો હાર્ટ એટેકને લઈ આંકડો
કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે માહિતી શેર કરી હતી કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકને કારણે 1052 લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી 80 ટકા લોકો 11થી 25 વર્ષની ઉંમરના હતા. વધતા હાર્ટ એટેકને કારણે લોકોની ચિંતા વધી રહી છે.
શક્તિસિંહ ગોહિલે સરકારને કરી માગ
લોકોમાં વધતી ચિંતાને કારણે સરકારે પણ આ અંગે ચિંતા કરવી જોઈએ તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. અનેક એક્સપર્ટસનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે તે શહેરી જનો છે અને તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ગામડામાં રહેતા લોકોએ વેક્સિન ઓછી લીધી છે જેને કારણે ગામડામાં હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટનાઓ ઓછી છે. આ બધી ઘટનાઓ પર સરકારે ધ્યાન આપવું જોઈએ. આ અંગે સરકારે સર્વે કરાવો જોઈએ કે કઈ વેક્સિન લેવાને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે વધારે થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કારણે કોઈ મૃત્યુ ના થાય તે માટે પણ પ્રીકોશ્નરી એક્શન લેવાવા જોઈએ. આ અંગેનો પ્રસ્તાવ શૂન્ય કાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં કરવાના છે.