હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના બાદ તો રોજે કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. રાજ્યની અલગ અલગ જગ્યાઓ પરથી હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આ સમસ્યા એટલી બધી વિકરાળ બની ગઈ છે કે શાળામાં ભણતા બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવશે.
જામનગરમાં એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક
એક સમય હતો જ્યારે કોરોનાના સમાચાર લખાતા હતા કે આજે આ જગ્યા પર કોરોનાના આટલા કેસ નોંધાયા છે આટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે વગેરે વગેરે... પરંતુ હવે રોજે સમાચાર હાર્ટ એટેકના લખવા પડે છે! યુવાનો પર સૌથી વધારે હાર્ટ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના બાદ આ કિસ્સાઓમાં વધારો થયો છે જેને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. યુવાનો બાદ બાળકોમાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. જામનગરથી આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.
શિક્ષકોને અપાશે CPRની તાલીમ
થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની ઢળી પડી અને મોતને ભેટી. તે બાદ 14 વર્ષની કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અને તેને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી જતો હોય છે. અનેક લોકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ હવે સીપીઆરની તાલિમ અપાશે. દિવાળી બાદ આ કામગીરી શરૂ કરાશે.