દેશમાં 1977ની સામાન્ય ચૂંટણીઓનું એલાન થઈ ગયુ હતુ, ઈન્દીરા ગાંધીની તાનાશાહીની સામે અનેક અવાજો ઉઠી રહી હતી, એ ઉઠેલી અવાજોને દિલ્હીના રામલીલા મેદાન સુધી જતી રોકવા માટે દુરદર્શન પર બોબી ફીલ્મ ચલાવાઈ હતી, ઠંડી અને વરસાદ બંનેની એકસાથે મોસમ છવાઈ હતી, અને છતાંય દરેક પ્રયત્નો અને સરકારી દાંવને પલટીને હજારોની મેદની દિલ્હીના રામલીલા મેદાનમાં પહોંચી, એક પછી એક ભાષણો થયા, અને ભીડ અચાનક જ ચીચીયારીઓ સાથે ખુશ થઈ, ઝનૂન છવાયુ દેશમાંથી ઈન્દીરાના શાસનને ઉખાડી ફેંકવાનું, કેમ કે બુલંદીથી ગુંજેલો અવાજ હતો અટલ બિહારી વાજપેયીનો અને શબ્દો બોલાયા હતા...
बाद मुद्दत के मिले हैं दीवाने
कहने सुनने को बहुत हैं अफसाने
खुली हवा में जरा सांस तो ले लें
कब तक रहेगी आजादी कौन जाने
- अटल बिहारी वाजपेयी
વર્ષ 1977 ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌથી મહત્વનો અધ્યાય લઈને આવ્યું, દેશમાં પહેલીવાર બિનકૉંગ્રેસી સરકાર બની હતી, 1947માં મળેલી આઝાદી, 1952માં થયેલી પહેલી ચૂંટણી અને છેક 1977 સુધી સતત, સાતત્ય સાથે લોકોએ કૉંગ્રેસને પસંદ કરી, 1971માં યુદ્ધ જીત્યા પછી અનેક મહત્વના નિર્ણયોની વચ્ચે માહોલનો ફાયદો મળી શકે એ હેતુથી જે ચૂંટણીઓ દેશ અને રાજ્યની એક સાથે થતી હતી એની જગ્યાએ 1971માં વહેલી ચૂંટણીનો ઈન્દીરા ગાંધીએ નિર્ણય કર્યો, સ્વતંત્ર પક્ષ સહીત બાકીના વિપક્ષોએ ખુબ દમ લગાવ્યો, કૉંગ્રેસ બે હિસ્સાઓમાં વહેંચાઈ ગઈ હતી, અનેક વિપક્ષો હતા પણ કોઈનામાં એકલા હાથે ઈન્દીરાને પહોંચી વળવાનો દમ નહોતો,
રામલીલા મેદાનમાં ભેગી થયેલી ભીડે ઈન્દિરા ગાંધીને ઘર ભેગા કર્યા
અનેક કોશીશો કરી પણ ઈન્દીરા ગાંધી અદભૂત બહુમતિ સાથે ચૂંટાઈને આવ્યા, પણ આપણે ત્યાં કહેવાય છે કે અનિયંત્રીત સત્તા સત્તાધીશને પણ અનિયંત્રીત બનાવી દે છે, બિલકુલ એવુ થયુ, એમની જીતને પડકારતી અરજીની વાત હોય કે વિપક્ષના વધતા અસ્તિત્વને ઈન્દીરા ગાંધી સહન ના કરી શક્યા. ઈમરજન્સી આવી, જબરદસ્તી નસબંધીઓ થઈ, આખરે એમને કોઈ સદબુદ્ધી આપી, ચૂંટણી કરવાનો નિર્ધાર કર્યો અને દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગી થયેલી ભીડે ઈન્દીરાને ઘર ભેગા કર્યા, પરંપરાગત બેઠકો જેવી કે અમેઠી અને રાયબરેલી એ પણ કૉંગ્રેસ હારી ગઈ, એ સમયે અનેક યુવા નેતાઓ જે આગળ જતા ભારતીય રાજનીતિનો એક-એક અધ્યાય બની શક્યા એમનો જન્મ પણ ઈન્દીરા ગાંધી સામેની લડાઈમાં જ થયો હતો જેમ કે લાલુ યાદવ હોય કે રામવિલાસ પાસવાન કે મુલાયમસિંહ કે પછી નીતિશકુમાર.
દિલ્હીના રામલીલા મેદાનમાં અન્ના હજારેએ શરૂ કર્યું આંદોલન
હવે વચ્ચેના દરેક પ્રકરણને હટાવીને, ઈન્દીરા ગાંધીના ફરી એકવાર ઉદય, રાજીવ ગાંધીની સત્તા, નરસિમ્હારાવ કે મનમોહનસિંહ કે અટલ બિહારી વાજપેયીનો સમય.... બધુ જ બાજુ પર મુકીને સીધા જ વર્ષ 2011માં આવી જઈએ... 2009ની લોકસભા ચૂંટણી પુરી થઈ, યુપીએની સરકાર બની, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત છે એવો દેશમાં માહોલ બન્યો. અને જેમ ઈન્દીરાના એકચક્રી શાસન સામે અવાજો ગુંજી હતી એ જ રીતે લોકપાલ લાવો, ભ્રષ્ટાચાર નાબુદ કરો, લોકતંત્ર સાચા અર્થમાં લાવો એવી વાતો સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપવાસ આંદોલન શરૂ થયા.
આવા દ્રશ્યો આપણી સામે આવી જાય...
ક્યારેક અન્નાના આમરણાંત ઉપવાસ વચ્ચે બિમાર થવાની, ક્યારેક કેજરીવાલના ઉપવાસથી થાકી જવાની, ક્યારેક દેશના પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીની તિરંગા લહેરાવતી, ક્યારેક દેશના દિગ્ગજ કલાકારો જેમ કે આમીર ખાનના આંદોલનની વચ્ચે જઈને સુન મિતવા, તુજકો ક્યાં ડર હૈ રે, યે ધરતી અપની હૈ, અપના અંબર હૈ યે જેવા ગીતો ગાવાની તસવીરો સામે આવતી...
આંદોલન વખતે અન્ના હજારે સાથે દેખાયા અનેક ચહેરા
અન્ના હજારે સાથે જોવા મળતા ચહેરાઓમાં મુખ્ય લોકો કેજરીવાલ, મનિષ સિસોદીયા, કિરણ બેદી, કુમાર વિશ્વાસ, આગળ જતા આશુતોષ , શાંતિ ભુષણ અને પ્રશાંત ભુષણ રહેતા... તસવીરો જોઈને લાગતુ કે દેશ જાણે બીજી આઝાદી અને લોકતંત્રને મજબૂત કરવાની નવી જ લડાઈ લડી રહ્યો છે. આઝાદીનું આંદોલન ચાલતુ હોય એવું જ દેશભક્તિનું ઝનૂન ઘર ઘર સુધી પહોંચ્યું હતુ, સરકાર યુપીએની હતી, મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, કૉંગ્રેસમાં સોનિયા યુગ ચાલતો હતો છતાં પણ ટીવીની સ્ક્રિન પર અદભૂત પત્રકારત્વની તસવીરો છલકતી હતી, સતત પત્રકારો આંદોલનનું કવરેજ કરતા અને અમુક અંશે એ આંદોલન સાથે પણ જોડાઈ રહ્યા હતા. કુમાર વિશ્વાસ કહેતા
शोहरत ना अता करना मौला,दौलत ना अता करना मौला
बस इतना अता करना चाहे,जन्नत ना अता करना मौला
शम्मा-ए-वतन की लौ पर जब कुर्बान पतंगा हो
होठों पर गंगा हो, हाथों मे तिरंगा हो
કશુંક બદલવાની ઈચ્છા સાથે દિલ્હીમાં પહેલી વાર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી
આંદોલન લોકપાલ સંદર્ભે સફળ ના રહ્યું, પણ લોકપાલની વાત ગૌણ થઈ, ન્યાયની ચળવળ રાજકીય ચળવળ બની,અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજનીતિમાં જવુ કે નહીં એ સંદર્ભે મતભેદ થયા, 26 નવેમ્બર 2012, બંધારણ દિવસ પર જ આમ આદમી પાર્ટીનું ગઠન થયુ, દેશમાં રાજનીતિ બદલીશું એવા દાવા સાથે દિલ્હીમાં પહેલી વાર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી. 2૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ૭૦ માંથી ૨૮ બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા.પણ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આમ આદમી પાર્ટીએ જે કૉંગ્રેસ સામે લડાઈ હતી એની જ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી, 49 દિવસ પછી દિલ્હીમાં ફરી રાજકીય ડ્રામા થયો, જન લોકપાલનું કૉંગ્રેસ સમર્થન નથી આપતી એવું કહીને આમ આદમી પાર્ટી સત્તામાંથી છુટી પડી.
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળી ઐતિહાસિક જીત
દિલ્હીમાં ફરી ચૂંટણી આવી, 2014માં દેશમાં સામાન્ય ચૂંટણી હતી, યુપીએ સરકાર સામેના રોષનું પરિણામ એ આવ્યું કે દેશને નરેન્દ્ર મોદીમાં આશા દેખાઈ અને ભાજપની બહુમતિ સાથે દેશમાં સરકાર બની, એના તરત પછી વર્ષ 2015માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી, 70 વિધાનસભાની બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને અકલ્પનીય બહુમતી સાથે 67 બેઠકો મળી અને દેશની રાજનીતિમાં પહેલી વાર કોઈ જ રાજકીય બેકગ્રાઉન્ડ વગરના સામાન્ય ચહેરાઓ આટલી મોટી સંખ્યામાં રાજ્યની વિધાનસભામાં પહોંચ્યા, પણ.... સત્તાનો સ્વભાવ છે કે એ તમને કરપ્ટ કરવાની સંપુર્ણ કોશિશ કરે છે.
10 વર્ષની અંદર પાર્ટી ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાવા લાગી
રાજનીતિને બદલવા નીકળેલી આમ આદમી પાર્ટી સત્તાની અઠંગ ખેલાડી બની, પોતાના બાળકોની સોગંદ ખાઈને કોઈ દિવસ રાજનીતિમાં નહીં જાવ કહેવાર અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. અને સત્તા ટકાવી રાખવા માટે એ બધુ જ કરવા માંડ્યા જે દેશની રાજનીતિમાં ઓલરેડી થતુ આવ્યું હતુ. નવી રાજનીતિના નામ પર શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ, સારી સરકારી શાળાઓ, દવાખાનાઓ, રસ્તા વગેરેની વાત એમણે રાજનીતિમાં કરી પણ 2022 આવતા સુધીમાં, એમની રાજનીતિક સફરને 10 વર્ષ થાય ત્યાં સુધીમાં તો ભ્રષ્ટાચારના આરોપોથી પાર્ટી ઘેરાવા લાગી, એક સાથે અનેક રાજ્યોમાં સરકાર બનાવવાની લાલચ કહો તે પ્રધાનમંત્રી પદની ઘેલછા, આમ આદમી પાર્ટી પર વારંવાર દિલ્હી સરકારના રૂપિયા પક્ષની તિજોરીમાં ભરવાના આરોપ લાગતા ગયા.
ઈતિહાસમાં પ્રથમ વખત ઘટના બની કે....
પોતાને આમ આદમી કહેતા નેતાઓ સત્તાની ખાસ સવલતો, લાખો રૂપિયાના ભાડા વાળા હોટેલના રૂમથી માંડીને, મોંઘી ગાડી, પ્રાઈવેટ હવાઈ જહાજમાં મુસાફરીથી લઈ કરોડોના ખર્ચે બંગલાના રિનોવેશન સુધીની બાબતોમાં ઘેરાતા ગયા. કેજરીવાલની રાજનીતિના એક પછી એક પટલો ખુલવા માંડ્યા, એમના મુદ્દાઓ પર છેક સુધી ભરોસા કરતા માણસોને પણ લાગવા માંડ્યું કે આ કિસ્સામાં પણ ભરોસાની ભેંસે પાડો જણ્યો છે. ઈતિહાસ સમજીને વાત વર્તમાનની કરીએ. કેજરીવાલ પર શરાબનીતિમાં ગોટાળો કરીને 100કરોડની લાંચનો આરોપ છે, દેશના ઈતિહાસમાં પહેલીવાર પોતાના પદ પર યથાવત હોય અને ધરપકડ થઈ હોય એવા કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી બન્યા છે.
નૈતિક અપેક્ષામાં અરવિંદ કેજરીવાલ ખરા ના ઉતરી શક્યા!
આ પહેલા તમિલનાડુના સીએમ જયલલીતા હોય કે હમણાં દોઢ મહિના પહેલા ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ હોય, મુખ્યમંત્રી પદે હોવ તમે અને તમારા પર ભ્રષ્ટાચારના આરોપ લાગે તો નેતાની નૈતિક જવાબદારી બને છે રાજીનામું આપી, પોતાની જગ્યાએ બીજા કોઈને જવાબદારી સોંપીને જવું, ભલે આગળ જતા તમે નિર્દોષ પણ સાબિત થઈ શકો, પણ તમારે એકવાર તો આરોપો લાગ્યા છે એ હકિકતના આધારે રાજીનામું આપવું જોઈએ, આ છેલ્લી નૈતિક અપેક્ષામાં પણ કેજરીવાલ ખરા ના ઉતરી શક્યા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકો કહે છે કે એમનાથી ભાજપને રાજનીતિક ખતરો લાગતો હોવાથી ભાજપે ઈડીના ઈશારે આખુ ષડયંત્ર ઘડ્યું છે, અને વિપક્ષના નેતાઓને એ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે જાણે કે સત્તા પક્ષના દરેક નેતા દૂધે ધોયેલા હોય. પણ સામે પ્રશ્ન એ જ થાય કે સત્તા દૂધે ધોયેલી નથી એનો મતલબ વિપક્ષને કીચડમાં આળોટવાની આઝાદી નથી.
અમિત શાહનું જેલ જવું, તડીપાર થવું...
જેના ઘર કાંચના હોય એ લોકો બીજાના ઘર પર પત્થર નથી મારતા, અને સૌથી મહત્વની વાત, રાજનીતિમાં આવુ પહેલી વાર નથી થઈ રહ્યું. જે તે સમયે જયલલીતા હોય કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર સંસ્થાઓના સહયોગથી સતત થયેલી કાર્યવાહીઓ, અમિત શાહનું જેલ જવુ, તડીપાર થવુ બધું જ બતાવે છે કે જ્યારે જ્યારે જેને જેને સત્તા મળી એણે એ સામર્થ્યથી બીજાને પરાસ્ત કરવાની કોશિશ કરી જ છે. પણ રાજનીતિમાં જે સાતત્ય સાથે ટકી શક્યું છે, એણે પાછી છલાંગ લગાવી જ છે. જયલલીતા પણ જેલમાંથી આવ્યા પછી મુખ્યમંત્રી બન્યા હતા તો નરેન્દ્ર મોદીની સફર તો આંખોની સામે છે. જો કે હકિકત એ પણ છે કે મોટાભાગના રાજનેતાઓએ સમયાંતરે સામાન્ય માણસને નિરાશ કર્યો છે, અને રાજકારણમાં તો આવુ જ હોય, રાજનીતિ એટલે આવી જ વ્યવસ્થા અને અહીંયા સામાન્ય માણસનું કશું જ કામ નથી એ સાબિત થયું છે. આંદોલનો એ લોકશાહીનો બુલંદ એે મજબૂત અવાજ બન્યા છે.
આંદોલનો નેતાને જન્મ આપે છે...
1977 હોય કે 2011, આંદોલનોએ નેતાને જન્મ આપ્યો છે પણ એ જ નેતાઓ આગળ જતા એ જ રાજનીતિનો હિસ્સો બન્યા છે. પણ છતાંય જનતા ક્યારેય નિરાશ નથી થતી, અને કોઈપણ રાજનેતા આ દેશના લોકતાંત્રીક મિજાજને નથી બદલી શકતો. આજના રાજનીતિક સમયમાં કોઈ ભક્ત તો કોઈ દલાલ તરીકે ઓળખાય છે. માત્ર સંસ્થા, અધિકારી, નેતા કે પત્રકારો નહીં, નાગરીકોનો વિશાળ સમુદાય પણ આ બે ભાગોમાં વહેંચાયેલો છે. જે કેજરીવાલના પક્ષે છે એ ભ્રષ્ટાચારની વાસ્તવિકતા સામે દેખાતી હોવા છતા ચૂપ છે અને જે કેજરીવાલની સામે છે એ ઈડી જેવી સંસ્થાના દુરપયોગ અને સત્તાના બાકીના દેખીતા ભ્રષ્ટાચારો પર મૌન છે.
દેશનો લોકતાંત્રીક મિજાજ ક્યારેય નથી પડી ભાંગતો...
પણ છતાંય ઈતિહાસ જોયા પછી આપણી પાસે એ સાંત્વના છે કે જ્યારે બધું જ પડતુ અને મરતુ દેખાય ત્યારે પણ આ દેશનો લોકતાંત્રીક મિજાજ ક્યારેય નથી પડી ભાંગતો, કળ વળતા, નૈતિક છેતરામણીના આઘાતોમાંથી બહાર આવતા એને થોડો સમય લાગશે, પણ ફરી એકવાર જનસામાન્ય પોતાના અધિકાર અને કર્તવ્ય બંને માટે સભાન બનશે. ભારતમાતા ફરી એકવાર બુલંદ અવાજ વાળા, લોકતાંત્રીક ચેતના વાળા અવાજોને પેદા કરીને એનું જતન કરશે