કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વર્ષ 2021માં દિલ્હી કેન્ટ વિસ્તારમાં એક સગીરા પર થયેલા કથિત બળાત્કાર અને હત્યાના કેસ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાયા હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસે પીડિત બાળકી અને તેના પરિવારની ઓળખ છતી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે પીડિત સગીરા અને તેના પરિવારની ઓળખ છતી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે.
દિલ્હી પોલીસે HCને આપી જાણકારી
નવ વર્ષની બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવાના મામલે દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે આ મામલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જો કે રાહુલ ગાંધી વતી હાજર રહેલા એડવોકેટે કોર્ટને માહિતી આપી હતી કે સંબંધિત પોસ્ટ કાઢી નાખવામાં આવી છે. બંને પક્ષકારોને રેકોર્ડ પર લઈ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટ 2021માં સામાજિક કાર્યકર્તા મકરંદ સુરેશ મ્હાડલેકરની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં X (તે સમયે ટ્વિટર) પર તેના માતા-પિતા સાથેનો ફોટો પ્રકાશિત કરીને પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે NCPCRના રજિસ્ટ્રારની ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના ટ્વિટ માટે સપ્ટેમ્બર, 2021 માં FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા 1860 (IPC) અને POCSO એક્ટ (POCSO Act) 2015 ના સંબંધિત ગુનાઓ હેઠળ આરોપી વ્યક્તિઓ વિરુદ્ધ ઓગસ્ટ 2021 માં FIR દાખલ કરવામાં આવી હતી, જો કે કેસ હજુ પણ પેન્ડિંગ છે અને આરોપો પણ હજુ બાકી છે.
રાહુલ ગાંધીની ધરપકડની માગ
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ મામલાને ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે તેમની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી પોલીસે આ મામલે પહેલાથી જ વિલંબ કર્યો છે, તેથી હવે વધુ વિલંબ થવો જોઈએ નહીં. આ અગાઉ બુધવારે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સામાજિક કાર્યકર્તા મકરંદ સુરેશ મ્હાદલેકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું કે તેમણે તેમના ટ્વીટર હેંડલમાંથી પોસ્ટ હટાવી દીધી છે. મ્હાદલેકર તેમની અરજીમાં દલીલ કરી હતી કે કોંગ્રેસના સાંસદે રાજકીય લાભ લેવા માટે આ તસવીર પોસ્ટ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2021માં દિલ્હી કેન્ટ વિસ્તારમાં સ્મશાનની અંદર નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સગીરના પરિવારને મળ્યા બાદ તેમની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે બાળકીના મોતના મામલામાં પૂજારી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી મહિલા આયોગ (DCW) એ કહ્યું કે દિલ્હી કેન્ટમાં બાળકીના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મહિલા આયોગને 1 ઓગસ્ટે બપોરે 12.35 વાગ્યે મહિલા હેલ્પલાઈન પર કોલ આવ્યો હતો જેમાં આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી.