શેર બજારમાં આજે ફરી કડાકો બોલાયો છે, ભારે વેચવાલીના કારણે BSE સેન્સેક્સ એક હજાર પોઈન્ટથી પણ વધુ તુટ્યો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બિએસઈ સેન્સેક્સ 1053.10 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈનો નિફ્ટી 333 ટકા તુટ્યો છે. આ કડાકા સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. આ ઘટાડા સાથે જ સેન્સેક્સ 70,360.55 અને નિફ્ટી 21,238.80 પોઈન્ટ પર બંધ રહ્યો છે. બિએસઈ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને 366 લાખ કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે.
શા માટે માર્કેટ તુટ્યું?
આજે શેર બજાર તુટ્યું તે માટે બજાર નિષ્ણાતો લાલ સાગરમાં ચાલી રહેલી તંગદીલીને માની રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની નેવી દ્વારા હુથી બળવાખોરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને માર્કેટમાં ચિંતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં ખરીદદારી જ કરી છે પરંતું આ મહિનાથી તે 13 હજાર કરોડથી પણ વધુનું વેચાણ કરી ચુક્યા છે.
ઝીના શેરો 31 ટકા તુટ્યા
શેર બજારમાં સૌથી વધુ નુકસાન ઝી એન્ટરટેઈનમેન્ટના રોકાણકારોને થયું છે, ઝીના શેરો 30.74 ટકાના ઘટાડા સાથે 160.50રૂપિયા પર આવી ગયા છે. સોનીએ ઝી સાથે 10 અબજ ડોલરની ડીલ તોડવાની જાહેરાત કરતા જ ઝીના શેરમાં કડાકો બોલાયો છે. તે ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચયુએલ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, કોટક બેંક, એશિયન પેઈન્ટ, સહિતના શેરોમાં કડાકો બોલાયો છે.