ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ સર્વે અને ઓપિનિયન પોલની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં સી વોટરે કરેલા ગુજરાત ચૂંટણીને લઈ એક સર્વે કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવામાં આવ્યો હતો.
સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ
લોકોને રાજ્યના ભાવી મુખ્યમંત્રી પદ માટે કોણ પસંદ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણી નેતાઓનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,ઇસુદાન ગઢવી, હાર્દિક પટેલ, સી.આર.પાટીલ,ભરતસિંહ સોલંકી ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અંગે પૂછવામાં આવ્યું હતું.
આશ્ચર્યજનક પરિણામો જાણવા મળ્યા
મુખ્યમંત્રી પદના દાવેદારો અને લોકોની પસંદગી પ્રમાણે જોઈએ આ સર્વેમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણાો જાણવા મળ્યા છે. જેમાં વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ બન્યા છે, 33 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી 20 ટકા, પૂર્વ સીએમ વિજય રૂપાણી 8 ટકા, નીતિન પટેલ 5 ટકા, સી.આર.પાટીલ 3 ટકા જ્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 5 ટકા, ભરતસિંહ સોલંકી 4 ટકા લોકોની પસંદ છે.