આજે નવરાત્રીનું છઠ્ઠું નોરતું છે. છઠ્ઠા દિવસે માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. માતાજીનું છઠ્ઠું સ્વરુપ છે મા કાત્યાયની. મા કાત્યાયની પૂજા કરવાથી સાધકને ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતા કાત્યાયનીને ચાર ભૂજાઓ છે. એક હાથમાં કમળ ધારણ કરેલું છે. એક હસ્તમાં તેમણે તલવાર ધારણ કરી છે. એક હાથમાં વરદ મુદ્રા ધારણ કરી છે અને એક હાથથી ભક્તોને આશીષ આપી રહ્યા છે. માતા કાત્યાયનીનું વાહન સિંહ છે. તેમની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો દુર થઈ જાય છે અને ભક્તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
શા માટે માતા કાત્યાયનીના નામે ઓળખાયા
શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ કાત્યાયને માતાજીને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું હતું. તપથી માતા ખૂબ પ્રસન્ન થયા અને તેમના ત્યાં પૂત્રી સ્વરુપે અવતર્યા હતા. જેથી તેઓ કાત્યાયની કહેવાયા. તે ઉપરાંત ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ માતાજીની ઉપાસના કરી હતી. વ્રજની ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું.
ઉપરાંત માતાએ આ જ સ્વરૂપમાં દૈત્ય મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવોને તેના ત્રાસથી મુક્તિ અપાઈ હતી. જેથી કોઈ પણ ભક્ત માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે તેને ઈચ્છિત ફળ માતાજી અવશ્ય આપે છે.
ક્યાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી મળશે માતાના આશીર્વાદ
માતા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો જોઈએ.
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
કયો રંગ અને કયો નૈવેદ્ય માતા કાત્યાયનીને છે પ્રિય
માતા કાત્યાયનીને લાલ રંગ અને પીળો રંગ વધારે પ્રિય છે. તેમની પૂજામાં આ રંગનો ઉપયોગ કરવાથી માતા ભક્ત પર કૃપા દ્રષ્ટિ રાખે છે. નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ વિવિધ ભોગ પ્રસાદી તરીકે રાખવામાં આવે છે. દિવસ પ્રમાણે અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. ત્યારે છઠ્ઠા નોરતે માતાજીને મધનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.