ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. ગુજરાતમાં પ્રચાર કરવા દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. અનેક વખત પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીને લઈ ટિપ્પ્ણી કરવામાં આવે છે. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ કહેવા માગે છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે મોદીને અપશબ્દો કહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસની હાર થઈ છે.
કોંગ્રેસ દ્વારા પીએમને લઈ કરાતી ટિપ્પણી પર ભાજપનો પલટવાર
વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થચા હોય છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુખ્યત્વે ચૂંટણી પ્રચારમાં ઉતરતા હોય છે. પાર્ટીના પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાડતી હોય છે. અનેક વખત આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવે છે. જેને કારણે વિવાદ પણ સર્જાતો હોય છે.
ગુજરાતમાં પ્રચાર દરમિયાન ખડગેએ કરી હતી રાવણ સાથે તુલના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા. આ વાતને લઈ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઉપરાંત ભાજપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભાજપ એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી છે ત્યારે ત્યારે એ ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે.