રક્ષાબંધનના દિવસે રક્ષા માટે રાખડી બાંધવામાં આવતી હોય છે. મુખ્યત્વે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય છે. જેને ભાઈ ના હોય અને મોટી બહેન હોય તો તેમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે. રક્ષાબંધન પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે રક્ષા કરવી. એ રક્ષા માત્ર માણસની હોય તે જરૂરી નથી. નિર્માણાધીન બિલ્ડીંગની રક્ષા પણ કરવી જોઈએ. નિર્માણાધીન બિલ્ડીંગની રક્ષા ભ્રષ્ટાચારથી કરવી છે, નિર્માણાધીન પુલની રક્ષા ભ્રષ્ટાચારના સડાથી કરવી છે. અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વડોદરામાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનનો એક પિલર ગઈકાલે મોડી રાત્રે નમી પડ્યો.
નિર્માણ દરમિયાન સર્જાય છે અનેક દુર્ઘટના
અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે, એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણાધીન બિલ્ડીંગ, પુલ ધરાશાયી થતા લોકોના મોત થતાં હોય. નિર્માણ વખતે વાપરવામાં આવતું મટિરિયલ એટલી ઓછી ગુણવત્તાનું હોય છે કે હજી તો બ્રિજ બન્યો ન હોય, બિલ્ડીંગ બની ન હોય, રસ્તો ન બન્યો હોય. તે પહેલા જ સ્લેબ અથવા એક ભાગ નીચે પડી જતો હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટના સર્જાયા બાદ અધિકારીઓ સ્થળ મુલાકાત લેતા હોય છે, અને આગળની પ્રોસેસ શરૂ થતી હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને વિચાર આવે કે શું તંત્ર મોટી દુર્ઘટના સર્જાવવાની રાહ જોઈ રહ્યું હતું? દુર્ઘટના બાદ અધિકારીઓની ઉંઘ હરામ થઈ જતી હોય છે.
સ્ટ્રક્ટરનો એક પિલર અચાનક નમી પડ્યો...
વડોદરામાં આવેલી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે તેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું હતું. એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું છે. પિલર નમી પડતા નિર્માણની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ એ પિલરનું નિર્માણ થઈ રહ્યું છે જેની પરથી હાઈ-સ્પીડ ટ્રેન એવી બુલેટ ટ્રેન પસાર થવાની છે. બ્રિજની ઉપરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. ત્યારે આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન કોઈપ્રકારની ખામી ન રહે તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ ધ્યાન રાખવામાં આવતું હોવા છતાંય આવી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટ્રક્ચર ઉભું કરવામાં કોઈ ખામી સર્જાતા અડધા પિલર પરનું સ્ટ્રકર નમી પડ્યું હતું.
એક રાખડી પિલરોને પણ બાંધવી કે તેમની રક્ષા ભ્રષ્ટાચારથી થાય
આવી દુર્ઘટનાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. કોઈ વખત ભારે વરસાદને કારણે તો કોઈ વખત વાવાઝોડાને કારણે આવી દુર્ઘટના સર્જાતી રહે છે પરંતુ હમણાં તો નથી વરસાદ કે નથી વાવાઝોડું તો પણ આવી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના પાછળ નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી હલકી ગુણવત્તાવાળો સામાન જવાબદાર છે. નિર્માણ દરમિયાન અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર સૌથી વધારે જવાબદાર છે. ભ્રષ્ટાચાર એક એવો સડો છે જે ધીમે ધીમે આખી સિસ્ટમને ખોખલી કરી દે છે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે ત્યારે રક્ષાબંધનના દિવસે નિર્માણાધીન બિલ્ડીંગો, પુલના પિલરો પર રાખડી બાંધવી જોઈએ. કારણ કે પિલરને પણ રક્ષાની જરૂર છે. કારણ કે જો પાયો જ ખોખલો હશે તો ઈમારત અથવા તો બ્રિજ કેવી રીતે મજબૂત હશે?