આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતામરણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા બજેટ હોવાને કારણે સૌ કોઈની નજર આ બજેટ પર રહેલી છે. આ બજેટને ચૂંટણીની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. એવી બાબતો પર ધ્યાન રાખવામાં આવશે જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડી શકે છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોને લગતા પ્રશ્નોના પકડારનો સામનો નાણામંત્રીને કરવો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપવામાં આવી શકે છે.
પેટ્રોલના ભાવમાં કરવામાં આવી શકે છે ઘટાડો
નિર્મલા સીતામરણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં સૌથી વધારે ધ્યાન એવા વિષયો પર રાખ્યું હશે જે સામાન્ય માણસને સીધી અસર કરે છે. મહિલા, ખેડૂતો, નોકરીયાતો પર આ બજેટ આધારિત હોઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાતોનું તેમજ મીડિયા રિપોર્ટની વાત કરીએ તો પેટ્રોલ અને એલપીજી ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં સરકાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે.
આ વાતો પર રાખવામાં આવી શકે છે વિશેષ ધ્યાન!
એવું પણ જોવામાં આવી રહ્યું છે કે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે. હાલમાં, આ અંતર્ગત નોકરી કરતા લોકોને 50,000 રૂપિયાની છૂટ મળે છે. 2014થી ટેક્સ શાસનના સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને આ વખતે રાહતની આશા છે. આ વખતે બજેટમાં મહિલા ઉદ્યોગપતિઓ માટે પણ મોટી જાહેરાતો હોવાની સંભાવના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને મહિલા આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ જેવી યોજનાઓનો વ્યાપ વધારી શકે છે.