નાણામંત્રી નિર્મલા સીતારમણએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાનો યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાયની વાત કરીએ તો, ડેરી કિસાનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર યોજના લાવશે તેવી જાહેરાત કરી છે. સરકાર ડેરી ખેડૂતોની મદદ માટે એક સ્કીમ લાવશે. ખેતી માટે આધુનિક સ્ટોરેજ, સપ્લાય ચેઇન પર ફોકસ, સરકાર સરસવ અને મગફળીની ખેતીને વધુ પ્રોત્સાહન આપશે, ફિશરીઝ સ્કીમને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે, સી-ફૂડની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક છે, સરકાર 5 સંકલિત એક્વા પાર્ક ખોલશે.
ટેક્સ સ્લેબમાં નથી કરવામાં આવ્યો ફેરફાર
10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. ટેક્સના દર, આયાત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પાંચ વર્ષમાં 2 કરોડથી વધુ ઘર બનાવાશે - નિર્મલા સીતારમણ
વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ગરીબોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરવામાં આવશે.અમારી સરકાર સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. દરેક ભારતીયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાના પડકારો છતાં, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા, અમે ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. દેશના 1 કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.

ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે - નાણામંત્રી
ભ્રષ્ટાટારને લઈ મંત્રીએ કહ્યું કે દરેક ઘર સુધી પાણી, વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.


40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે - નિર્મલા સીતારમણ
ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. તેમની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વિકાસ દર વધારવામાં મદદ કરશે. વંદે ભારતના ધોરણો અનુસાર 40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.


