ગુજરાત વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. જેમ કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નેતા છોટુ વસાવાના પરિવારમાંથી જ ત્રણ ફોર્મ ભરાયા છે. જો કે હવે છોટુ વસાવાના પુત્ર દિલિપ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હાઈ વોલ્ટેજ પોલિટીકલ ડ્રામાનો અંત આવ્યો છે.
દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી પરત ખેંચી
છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ ઝઘડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી એક પરત ખેંચાયું છે. દિલિપ વસાવા BTPના તથા BTPSના મહાસચિવ તરીકે રહી ચૂક્યા છે. દિલીપ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય અને હાલ ઝઘડિયા બેઠક પર BTPમાંથી ઉમેદવારી કરનાર મહેશ વસાવાના નાના ભાઇ છે.
વસાવા પરિવારમાં જ પક્ષ-વિપક્ષ
ભરૂચની ઝઘડિયા સીટ પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતા છોટુ વસાવાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. આ બેઠક પરથી પિતા અને બે પુત્રએ સામ-સામે ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ હતું. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ BTP તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું.