ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી અને આજે ફરી એક વખત વેલકમ પાર્ટી યોજાઈ છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કેસરિયો ધારણ કરવાના છે. કમલમમાં મહેશ વસાવાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. ભારે ભીડ જોવા મળી રહી છે અને ત્યાં આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટુ વસાવાએ ચૈતર વસાવા માટે આપ્યું હતું નિવેદન
જ્યારે દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાને પત્રકારે મહેશ વસાવાના ભાજપમાં જવા માટે પ્રશ્ન પુછ્યો તો એમણે જવાબ આપ્યો કે મહેશ વસાવા નાસમજ છે, જો કે એ વાત અલગ છે કે મહેશ વસાવાની ઉંમર 50 વર્ષ છે, ચૈતર વસાવા માટે છોટુ વસાવા બોલી રહ્યા હતા કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે, આજે હકિકત એ સામે આવીને ઉભી છે કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે.
જે પાર્ટી સામે પિતાએ મોરચો ખોલ્યો હતો તે જ પાર્ટીમાં પુત્ર જોડાયા!
છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. મહેશ વસાવાના ભાજપમાં જતાની સાથે જ છોટુ વસાવાએ ઉભો કરેલો આધાર તુટી પડે છે કે એમના બીજા દિકરા જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હજુ વર્ચસ્વ જાળવી શક્યા છે એ લોકો એને ટકાવી શકે છે એ સમય જતા સમજાશે.