ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષે નવેમ્બરથી 4G નેટવર્ક સેવાઓ શરૂ કરશે અને આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધીમાં ધીમે ધીમે 5G સર્વિસ પણ શરૂ કરશે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે સોમવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં લગભગ 1.25 લાખ 4G મોબાઈલ સાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પુરવારે કહ્યું, "કંપનીના 4G નેટવર્કનું સૌપ્રથમ ઓપરેશન આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે."
15 ઓગસ્ટ, 2023થી BSNLની 5G સર્વિસ શરૂ
કંપની 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને જાહેર ક્ષેત્રની ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે. પુરવારે કહ્યું કે કંપની જે 4G નેટવર્ક સાધનો ખરીદી રહી છે તેને સોફ્ટવેર દ્વારા 5Gમાં કન્વર્ટ કરી શકાય છે. 5G સેવાઓ શરૂ કરવાની BSNLની યોજનાની સમયસીમા અંગે પૂછવામાં આવતા, પુરવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા નિર્ધારિત 15 ઓગસ્ટ, 2023ની સમયમર્યાદા અનુસાર કંપની 5G શરૂ કરવાના ટ્રેક પર છે.