દિલ્હી ખાતે કુસ્તીબાજો WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પોલીસ સમક્ષ જવાબ આપવા બ્રિજભૂષણ હાજર થયા હતા. પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદનને લખી દીધો છે. ઉપરાંત પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે.
પોલીસ સમક્ષ હાજર થયા બ્રિજભૂષણ શરણ સિંહ!
યૌન શોષણના આરોપો મહિલા કુસ્તીબાજોએ WFI અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. 23 એપ્રિલથી પહેલવાનો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી તેમની માગ છે. પહેલા તો તેમના વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર કુસ્તીબાજોએ ખખડાવ્યા હતા. જે બાદ પોલીસે અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવી ગયું છે. પોતાના પર લાગેલા આરોપોને બ્રિજભૂષણ સિંહે નકાર્યા છે.
પહેલવાનો દ્વારા લગાવવામાં આરોપોની તપાસ માટે બનાવાઈ ટીમ!
દિલ્હી પોલીસની એસઆઈટી સમક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ હાજર થયા હતા. પોતાનું નિવેદન દાખલ કરાવ્યું હતું. જો જરૂર પડશે તો ફરી તેમને બોલાવામાં આવશે. પોલીસ સમક્ષ તમામ આરોપો બ્રિજભૂષણ શરણ સિંહે નકાર્યા છે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપને લઈ તપાસ કરવા 10 લોકોની ટીમ બનાવામાં આવી છે. મહિલા અધિકારી આ મામલે નજર રાખશે. મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા આરોપોના પૂરાવા શોધવા ઉત્તરપ્રદેશ. ઝારખંડ, કર્ણાટક, હરિયાણામાં તપાસ કરશે. બ્રિજભૂષણ સિંહ ઉપરાંત ભારતીય કુશ્તી મહાસંઘના આસિસ્ટંટ સેક્રેટરી વિનોદ તોમરનું પણ નિવેદન દાખલ કર્યું છે. દિલ્હી પોલીસની એફઆઈઆરમાં વિનોદ તોમર પર પણ આરોપ લગાવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલે લીધી હતી ધરણા સ્થળની મુલાકાત!
મહત્વનું છે કે કુસ્તીબાજોને મળવા પ્રિયંકા ગાંધી જંતર મંતર પહોંચ્યા હતા. ત્યાં મહિલા કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. તેના થોડા દિવસો બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંતર મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. તે સિવાય ત્યાં જ પહેલવાનોએ કસરત શરૂ કરી દીધી હતી. પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. ત્યારે આ મામલે આગળ શું થાય તે જોવું રહ્યું?