ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે સમન મોકલ્યું છે. બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 6 મહિલા પહેલવાનોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે હાલમાં જ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. હવે કોર્ટે બ્રિજભૂષણ સિંહને 18 જુલાઈએ હાજર થવા માટે સમન પાઠવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત WFIના ઉપાધ્યક્ષ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.
1500 પાનાની ચાર્જશીટ દાખલ
બ્રિજભૂષણ સિંહ સામે 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહના હોમ ટાઉનમાં ફરીને લગભગ 200 સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તે ઉપરાંત 70-80 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલવાનોદ્વારા લગાવવામાં આવેલા યોન ઉત્પીડનના આરોપોના આધાર પર બ્રિજભૂષણ સિંહ સામે 354 (એક મહિલાની મર્યાદા ભંગ કરવી) 354A (યૌન સંબંધી ટિપ્પણી), 354D (પીછો કરવો) અને આઈપીસીની કલમ 506 (1) (ગુનાઈત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બ્રિજભૂષણ સિંહ કોર્ટમાં હાજર રહેશે
બ્રિજભૂષણ સિંહ સામે દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા એસીએમએમ હરજીત સિંહ જસપાલે બ્રિજભૂષણને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસને આગળ વધારવા માટે પુરતા પુરાવાઓ છે. આ વચ્ચે સમન મળ્યા હોવાની પુષ્ટિ કરતા બ્રિજભૂષણ સિંહે સ્પષ્ટ કહ્યું કે તેઓ 18 જુલાઈએ કોર્ટની સામે હાજર થશે. તેઓ વ્યક્તિ રીતે હાજર થવાને લઈને કોઈ પણ પ્રકારની છૂટ નહીં માગે.
ટોચના પહેલવાનોએ કર્યા હતા ધરણા
WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના ટોચના પહેલવાનો ધરણા પર બેઠા હતા. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતરમંતર પર ન્યાયની માગ કરતા રહ્યાં. રમતગમત મંત્રાલયે દરમિયનગીરી કર્યા બાદ ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. હાલ સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમની સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.