સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આવા જોખમી પુલો પ્રત્યે દુર્લક્ષ્ય ક્યાં સુધી?
વઢવાણ-ચુડા રસ્તા પર વસ્તડી ભોગાવા પરનો પુલ જર્જરિત હતો. આ પુલની દિવાલો ઠેરઠેર તૂટીને સળિયા બહાર દેખાઇ રહ્યા હતા. આ પુલ પરથી પસાર થતા હજારો વાહનો અને મુસાફરોને જોખમ ઊભું થયું હતું. આથી આ પુલ રિપેરિંગ અથવા નવો બનાવવાની માંગ ઊઠી હતી. જો કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યુ જ નહીં. જો કે રાજ્યમાં આવા અનેક જર્જરીત બ્રિજ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે એટલા બધા આશાવાદી છીએ કે કે જાણે આપણે આપણે આવા પુલ પરથી પસાર થશું તો પણ આપણને કાંઈ જ નહીં થાય. સરકાર પણ આવા પુલના સમારકામ પ્રત્યે દુર્લક્ષ્ય દાખવી રહી છે. જ્યારે મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર અચાનક જ સફાળું જાગે છે, જો કે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી ક્યારે શીખીશું?