અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. તેમણે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા પણ તેઓ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યા હતા પરંતુ આ સમયે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જો કે પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં કેન્સરની સારવારનું કારણ દર્શાવતા આજે તેમની અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા તેમના શરતી જામીન મંજુર કર્યા હતા. ઉલ્લેખનિય આ હિચકારી દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા.
કલમ 506 હેઠળ થઈ હતી ધરપકડ
ઇસ્કોન બ્રિજમાં તથ્ય પટેલે અકસ્માત કર્યા બાદ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પહોંચ્યા હતા અને લોકોને ધમકાવ્યા હતા. જે બદલ પોલીસ દ્વારા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને કલમ 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માટે અરજી કરી હતી પરંતુ જિલ્લા કોર્ટે એ અરજી ફગાવી દીધી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી 25 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમા બન્ને પક્ષની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 10 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.