અમદાવાદના નવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને સોંપવામાં આવી છે જ્યારે વડોદરાની સૂકાન પિન્કી સોનીને સોંપવામાં આવી છે. બંને મહાનગર પાલિકામાં મહિલાઓની વરણી મેયર તરીકે કરવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદને મળ્યા પ્રથમ નાગરિક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટમ પૂર્ણ થઈ ગઈ છે જેને લઈ આજે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નવા સુકાની કોણ બનશે તે માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ બાદ પ્રદેશ પાર્લામેન્ટમાં પસંદગીની મુહર લગાવવામાં આવી હતી અને આજે તેની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા તેમજ અમદાવાદને નવા મેયર મળ્યા છે. બંને જગ્યા પર મહિલાની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે.
વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની
હવેથી અમદાવાદની કમાન શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન સંભાળશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન બન્યા છે જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની વરણી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો મેયર તરીકે પિન્કી સોનીની નિર્મણૂક કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂંક કરવામાં આવી છે. તે સાથે ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. તો મનોજ પટેલની પસંદગી શાસક પક્ષના નવા નેતા તરીકે કરવામાં આવી છે.