ગુજરાત રાજ્યના એક પૂર્વ સીએમના સંબંધીની અમદાવાદ સ્થિત ઓફિસમાં ITના દરોડા પડ્યા છે. મળતી વિગતો મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના આ સંબંધી કે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર પદ પર છે તેમની ઓફિસ અને નિવાસસ્થાન પર ITની ટીમે રેઈડ પાડતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના જજીસ બંગલા રોડ ઉપર ઓફિસ ધરાવતા અને પ્રહલાદ નગર કોર્પોરેટ રોડ ઉપર રહેતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકને ત્યાં IT વિભાગના દરોડા આજે આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.
ITએ અત્યંત ગુપ્તતા વચ્ચે રેઈડ પાડી
ઈન્કમ ટેક્સ વિભાગની આ રેડ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. જાણીતી ફાર્મા કંપનીના માલિકના નિવાસ્થાન અને ઓફિસમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ મનપા પદાધિકારી અને પૂર્વ કોર્પોરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફાર્મા કંપનીના માલિક બે મોંઘીદાટ કાર લઈ આવતાની માહિતીથી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહીની વાત ધીમે ધીમે બહાર આવી હતી, જો કે સાંજે સંપુર્ણ કાર્યવાહી પુરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાર્મા કંપનીના માલિકના મુંબઈના કનેક્શનમાં પડેલા આ દરોડાને લઈ એટલી હદે ગુપ્તતા રાખવામાં આવી હતી કે અમદાવાદની ઈન્કમ ટેક્સ ઓફિસને વિશ્વાસમાં લેવામાં આવી નહોંતી. મોટા માથાને ત્યાં પડેલા આ દરોડા રાજકીય વર્તુળો અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ વ્યક્તિ કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે પણ આવક વેરા વિભાગ આ અંગે જાણકારી આપે છે કે નહીં તેના પર સૌની નજર છે.