ગુજરાતની રાજનીતિ અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. પાંચ બેઠકોની વાત કરીએ તો વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયામાં પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે.
ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે યોજાઈ પેટા ચૂંટણી
ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીમાં ભરતી મેળો જોવા મળતો હોય છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓની અંતરાત્મા જાગી જાય છે, અને પછી અંતરાત્માનો અવાજ સાંભળી તેઓ ભાજપમાં આવી જતા હોય છે! જે પક્ષની નીતિઓ પર પહેલા વિરોધ કર્યો તે પક્ષની નીતિના ગુણગાન ગાતા જોવા દેખાય છે. ગુજરાતમાં પણ અનેક વખત ભરતી મેળો જોવા મળતો હોય છે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ છે. જેમાં માણાવદર, વિજાપુર, પોરબંદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે.
આમને ભાજપે બનાવ્યા પેટા ચૂંટણી માટે ઉમેદવાર
જો ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકીટ આપવામાં આવી છે, જ્યારે અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી લડશે. તો અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસીટની પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવાયા છે. જ્યારે ખંભાતના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલની પસંદગી કરવામાં આવી છે. વાઘોડિયા પેટા ચૂંટણી માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકીટ આપવામાં આવી છે. મહત્વનું છે કે જેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે તે પહેલેથી જ ધારાસભ્ય પદ પર હતા.
વિસાવદરમાં પેટા ચૂંટણી નહીં યોજાય કારણ કે...
ઉલ્લેખનિય છે કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સૌથી પહેલા રાજીનામું આપી દીધું હતું. આ બેઠક પર પેટા ચૂંટણી નથી યોજાવાની કારણ કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભૂપત ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી, એનો ચુકાદો હજી સુધી આવ્યો નથી જેને કારણે ત્યાં હમણાં પેટા ચૂંટણીનથી થવાની. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પણ છે અને આ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.