લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ગઈકાલે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે..
ભાજપમાં જોડાયા બાદ બદલાશે સૂર!
કોંગ્રેસને વધુ એક ફટકો આવનાર 24 કલાકમાં પડી શકે છે તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે અને ભાજપના ગુણગાન ગાયા છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે કારણ કે એવી માહિતી સામે આવી છે કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણીને કોમનમેન તરીકે ઓળખવામાં આવે છે. ગમે ત્યારે તે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શકંર ચૌધરીને સોંપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે ભાજપમાં તે શું કામ જોડાયા, તેમને શું આત્મજ્ઞાન થયું અને તે ભાજપમાં જોડાયા તે જાણવું રસપ્રદ રહેશે..!