લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીને છોડી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના બે નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જે નેતાએ રાજીનામું આપ્યું છે તે અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેમણે રાજીનામું સોંપ્યું છે. મહત્વનું છે કે બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા...
આપના બે દિગ્ગજ નેતાઓએ આપ્યું રાજીનામું
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં 40 લોકોના નામ હતા. એમાંનું એક નામ અલ્પેશ કથીરિયાનું પણ હતું.. અલ્પેશ કથીરિયા પ્રચારની શરૂઆત કરે તે પહેલા તેમણે આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે... આમ આદમી પાર્ટીમાંથી ના માત્ર અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે પરંતુ ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. આ બંને યુવા નેતાઓ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી માટે મોટો પકડાર ઉભો થયો!
અલ્પેશ કથીરીયા પોતાના ક્ષેત્રમાં ગબ્બર નામે ઓળખાતા અને પછી ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, એમનાં આપમાં જતાની સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટી માટે ખાસો સકારાત્મક માહોલ બન્યો હતો, જો કે બંનેના પાર્ટી છોડતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી માટે સુરતમાં ખુબ મોટો પડકાર ઉભો થયો છે.
સુરતની હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી લડ્યા હતા વિધાનસભા ઉમેદવાર
મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મીક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.
શું અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં?
મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટીને છોડીને જઈ રહ્યા છે... થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. તે સિવાય નિખિલ સવાણી, એ વખતે પાર્ટીમાં મીડિયા મેનેજમેન્ટનું કામ કરતા એ પણ થોડા મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, અલ્પેશ કથીરીયા અને ધાર્મીક માલવિયા પણ એ જ દિશામાં આગળ વધે એવી સંભાવનાઓ છે, આ બે દમદાર ચહેરાઓના રાજીનામા પછી આમ આદમી પાર્ટીએ સૌથી વધારે માહોલ જે શહેરમાં બનાવ્યો હતો એ સુરતમાં સ્થિતિ બદથી બદતર બની છે.