આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળી ગયા છે. વન્યકર્મીઓને ધમકી આપવાના મામલે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. એટલે કે ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આજે ચૈતર વસાવાનો જામીન પર છુટકારો થતા તેમના પરિવારજનો તથા આપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી રહી હતી, પરંતુ ચૈતર વસાવા ફરાર થઈ હતા. જો કે તેમનાં પત્ની સહિત ચૈતર વસાવાના પીએ અને એક ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી હતી, વસાવાના પીએ અને ખેડૂતને પોલીસ રિમાંડમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી ફરાર રહ્યા બાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંતે 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થતાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ ભાજપ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
કેજરીવાલે ભરૂચ સીટ માટે કરી હતી વસાવાના નામની જાહેરાત
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ AAP ધારાસભ્યને લોકસભામાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના સીએમ કેજરીવાલે નેત્રંગમાં આદિવાસીઓની રેલીને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી તરફથી ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાર સુધી ચૂંટણી થશે ત્યાર સુધી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે, અમે મોટા વકીલો સુપ્રીમ કોર્ટમાં રોક્યા છે. શકુંતલા બેનની જામીન અરજીની સુનાવણી થવાની છે. ચૈતર ભાઈ જો ષડયંત્રના ભાગરૂપે જેલમાં રહે તો ચૈતર ભાઈને જીતડવાના છે, ચૈતર ભાઈને દિલ્હી મોકલવાના છે. ચૈતર વસાવા બહાર આવશે અને ભાજપની ઉંધી ગણતરી શરૂ થશે. કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું.