સૌથી નિસ્વાર્થ અને સૌથી ઘનિષ્ટ સંબંધ કોઈ હોય તો બાળકનો તેના માતા પિતા સાથેનો હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં બાળકને માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવતા હોય છે. ત્યારે એક કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં બાળકનાં દિલમાં કાણું હોવાને કારણે તેના માતા પિતાએ બાળકને ત્યજી દીધો હતો. પરંતુ બાળક નસીબદાર હતો. અમેરિકામાં રહેતા દંપત્તિએ બાળકને દત્તક લીધો હતો. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેરકને અમેરિકામાં રહેતા દંપત્તિએ દત્તક લીધો
નાની ઉંમરે અથવા તો જન્મતાની સાથે જ અનેક બાળકો ગંભીર બિમારીનો શિકાર બની જતા હોય છે. માતા પિતા માટે બાળક તેમની જાન હોય છે પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગંભીર બિમારી હોવાને કારણે બાળકને માતા પિતા ત્યજી દેતા હોય છે. ત્યારે બે વર્ષ પહેલા ભુજની હોસ્પિટલમાં જન્મેલા બાળકને તેના માતા પિતાએ તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો કારણ કે બાળકને જન્મથી જ હરણિયાની ગાંઠ હતી અને દિલમાં કાણુ હતું. બાળકની સારવાર કરવામાં આવી હતી અને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયો હતો. ત્યજેલા બાળકની સંભાળ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા રાખવામાં આવી હતી.
પ્રેરકનો ઉછેર હવે અમેરિકામાં થશે
કચ્છના યશોદા ધામમાં રહેતા આ બાળકનો સ્વીકાર અમેરિકામાં રહેતા દંપત્તિએ કર્યો હતો. પ્રેરક હવે અમેરિકા જશે. જે દંપત્તિ પ્રેરકના નંદ અને યશોદા બન્યા છે તે મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની સિંધુ લક્કુરે છે. ત્યજેલા પ્રેરકનું નસીબ ચમક્યું અને તેનો ઉછેર મહિલા કલ્યાણ કેન્દ્રમાં નહીં પરંતુ અમેરિકામાં થશે. પ્રેરકને નવા માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. બાળકને માતા-પિતા મળતા મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક તરફ ખુશી પણ છે તો બીજી તરફ પ્રેરકના જવાનું દુખ પણ છે.