ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી આખરે દુબઈથી પકડાઈ ગયો છે. વિનોદ સિંધી છેલ્લા બે દાયકાથી દારૂનો દારૂનો ધંધો કરતો હતો અને તેનું દારૂનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાયેલું છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ પોલીસે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.
ઈતિહાસમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ
ગુજરાતમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર બુટલેગર વિનોદ સિંધી સામે વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી હતી. જો કે વિજિલન્સ વિનોદની તપાસ કરે તે પહેલા જ તે દુબઈ ભાગી ગયો હતો. વિનોદને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. પોલીસને એના પાસપોર્ટ નંબરની વિગત મળી જતા આખરે તે ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો હતો. જોકે તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું હતું.
સિક્રેટ ઇનપુટના આધારે ઝડપાયો
વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો સિક્રેટ ઇનપુટ આધારે મળી હતી. ત્યાર બાદ દુબઈ પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.