રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ આગામી દિવસોમાં થવાનો છે. ઉત્તરભારતના રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે. ઠંડો પવન ફૂંકાવાને કારણે 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે. ઉપરાંત 25 જાન્યુઆરી બાદ હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચે રહેવાની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાને કારણે એક-બે દિવસ પહેલા ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ ફરી એક વખત ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં રાત્રિના સમયે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે પણ તાપમાન નીચે નોંધાતા ઠંડીનો અહેસાસ થાય છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેને પગલે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
હાડ થીજવતી ઠંડીનો થશે અહેસાસ
જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના નવ જેટલા શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 10.8, ગાંધીનગરમાં 9.8, ભાવનગરમાં 14.2 ડિગ્રી, વેરાવળમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયપં હતું. ત્યારે આગામી સમયમાં ફરી એક વખત હાડ થીજવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.