થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. ત્યારે કોરોના સામે જંગ લડવા વેક્સિનેશન અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનનો ડોઝ લોકોએ લીધો હતો. ત્યારે જૂનાગઢમાં વેક્સિનેશનમાં કૌભાંડ થયા હોવાની આશંકા સામે આવી છે. સોશિયલ મીડિયા પર વેક્સિનેશનના સર્ટિફિકેટ વાયરલ થયા છે જેમાં ફિલ્મ એક્ટ્રેસ જૂહી ચાવલા, જયા બચ્ચન સહિતના અભિનેતાઓનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે આવા વેક્સિનેશન સર્ટિફિટેક ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટના ફોટા
કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનને લઈ અનેક વખત સરકાર પર આરોપ લાગ્યા છે. પરંતુ જૂનાગઢથી એવા અનેક ફોટા સામે આવ્યા છે જેમાં અભિનેતાઓને નામ પર બોગસ વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરાયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચન, જૂહી ચાવલા, મહિમા ચૌધરીના વેક્સિનેશન સર્ટિફિકેટ વાયરલ થયા છે.
જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરીએ લીધી વેક્સિન!
સર્ટિફિકેટ જે વાયરલ થયા છે તેમાં જયા બચ્ચનની ઉંમર 23 વર્ષની બતાવામાં આવી છે. મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમણે રસી હતી અને પ્રથમ રસી 30 જૂલાઈ 2021 જ્યારે બીજો ડોઝ 30 ઓક્ટોબરના રોજ લીધી હતી. તે ઉપરાંત સર્ટિફિકેટમાં મહિમા ચૌધરીની ઉંમર પણ 22 દર્શાવામાં આવી હતી .મહિમાએ પણ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી લીધી હતી તેવું બતાવવામાં આવ્યું છે.
100 ટકા વેક્સિનેશન બતાવા કરાયું કૌભાંડ!
એવું માનવામાં આવી રહ્યું છે કે જૂનાગઢમાં 100 ટકા રસીકરણના આંકડા પર પહોંચવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવામાં આવ્યા હોય. આ તમામ કૌભાંડ જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને વિસાવદર તાલુકામાં આચરાયું હોય તેવું લાગી રહ્યું છે. આ ફોટો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરએ કહ્યું કે ગુજરાતમાં આ શક્ય નથી. જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે તેમની સામે પગલાં લેવાય છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.