ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તંગદીલી વધતી જોવા મળી રહી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યમાં કેજરીવાલના આગમનનો જોરશોરથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં અરવિંદ કેજરીવાલે રેલી યોજી હતી. જો કે AAPને ભાજપ સમર્થકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. બીજેપી કાર્યકરોએ વડોદરામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી પહેલા રેલી સ્થળની બહાર લાગેલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો ફાડી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલના પોસ્ટરની સાથે બીજેપી સમર્થકોએ પંજાબના સીએમ ભગવંત માનના પોસ્ટરને પણ નિશાન બનાવ્યું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ કાર્યકરોએ કરી તોડફોડઆમ આદમી પાર્ટીથી એટલો ડર લાગ્યો છે કે હવે ભ્રષ્ટ ભાજપીઓ ગુંડાગિરદી ઉપર ઉતરી આવ્યા.
— Gopal Italia (@Gopal_Italia) October 8, 2022
વડોદરામાં કેજરીવાલના આવતા પહેલા રેલીની જગ્યાએ ભાજપના ગુંડાઓ હાથમાં દંડા લઈને પોલીસની હાજરીમાં જ મારામારી કરી રહ્યા છે.
આ વખતે ભાજપ હારે છે, જનતા જીતશે. https://t.co/LPU4DgVhor
વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ હતી. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને ભાજપ કાર્યકરોએ રોડ શોને લઈ ચિમકી આપી હતી. વડોદરાના રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિંદુ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરામાં કેજરીવાલના રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેજરીવાલની રેલી દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું હતું.