ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મતદારોને આકર્ષવા રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. વિવિધ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા રેલીઓ, સભાઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી બાદ ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. વિવિધ રણનીતિ ઘડી મતદારોને પ્રભાવિત કરવા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. 5 ઝોનમાં યાત્રા કરી ચૂંટણી પ્રચાર કરવાનો પ્લાન ભાજપ કરી રહ્યું છે. 7 ઓક્ટોબરથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જેમાં કેન્દ્રીય નેતાઓ હાજરી આપશે.
ભાજપ કરશે ગૌરવ યાત્રા
પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાછળ ભાજપ લાખો રૂપિયા ખર્ચી નાખે છે. પ્રચાર કરવાનો એક પણ મોકો ભાજપ છોડતું નથી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે રાજ્યના 5 ઝોનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ગૌરવ યાત્રા ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી ભાજપનો પ્રચાર કરવાના છે.
ચૂંટણી પહેલા અનેક વખત કર્યું છે યાત્રાનું આયોજન
2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ દ્વારા વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચાર કરી ભાજપ પોતાના કામ બતાવી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. લોકસંપર્ક કરી ભાજપે ગુજરાતમાં કરેલા કામ તેમજ કેન્દ્રમાં રહી સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે.